calendar_todayApril 4, 2026
Kheda : ગળતેશ્વરમાં ખેડૂતના લાખોના ટામેટાના પાક પર ભેલાણ, 14 શખ્સો સામે પોલીસ ફરિયાદ
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના અંબાવ ગામે ખેતીના પાકમાં ભેલાણ કરી મોટું નુકશાન પહોંચાડવાની ગંભીર ઘટના સામે આવી છે. આગરવા ગામના એક ખેડૂતે અંબાવમાં સાથ (ભાગ) પર રાખેલી જમીનમાં ટામેટીનો મોંઘોદાટ પાક વાવ્યો હતો. લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ ઊભા પાકમાં ભેલાણ કરાતા ખેડૂત પાયમાલ થઈ ગયો છે.
લાકડીઓ સાથે આવેલ 14 ભરવાડો સામે ફરિયાદ
આ ઘટના અંગે મળતી વિગતો મુજબ, ડાભસર ગામના આશરે 14 જેટલા ભરવાડો લાકડીઓ જેવા હથિયારો સાથે ખેતરમાં ધસી આવ્યા હતા અને ખેડૂતના ટામેટીના ઊભા પાકને વેરવિખેર કરી નાખ્યો હતો.આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં ખેતરમાં થયેલું નુકશાન અને માથાભારે તત્વોની દાદાગીરી સ્પષ્ટ જોઈ શકાય છે.
સેવાલીયા પોલીસ મથકે ફરિયાદ
પોતાના લાખોના પાકને થયેલા નુકશાન બાદ આગરવાના પીડિત ખેડૂતે ન્યાય માટે પોલીસના દ્વાર ખટખટાવ્યા છે. સેવાલીયા પોલીસ મથકે ડાભસરના 14 શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે વાયરલ વીડિયો અને ખેડૂતની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો---- Bhavnagar : અશાંતધારામાં ભ્રષ્ટાચાર મામલે 15 દિવસે ફરિયાદ, મદદનીશ કલેક્ટરે જ પોતાના ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવી