calendar_todayApril 20, 2026
Kheda: આરોગ્ય વિભાગમાં ભ્રષ્ટાચારના આક્ષેપોથી ખળભળાટ, DHO એ તપાસ અને કાયદેસરની કાર્યવાહીની ચીમકી આપી
ખેડા જિલ્લા આરોગ્ય વિભાગમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોને લઈને રાજકારણ અને વહીવટી તંત્રમાં ગરમાવો આવ્યો છે. CHO તેજસ પટેલ દ્વારા વાયરલ કરવામાં આવેલા વીડિયો મામલે જિલ્લા આરોગ્ય અધિકારી (DHO) વી. એસ. ધ્રુવે મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી છે અને આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
આરોગ્ય વિભાગમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો
ખેડા DHO વી. એસ. ધ્રુવે જણાવ્યું હતું કે, CHO તેજસ પટેલ દ્વારા આરોગ્ય વિભાગ પર કરવામાં આવેલા ભ્રષ્ટાચારના આક્ષેપોમાં કોઈ તથ્ય નથી. તેમણે વધુમાં ચોંકાવનારો દાવો કર્યો હતો કે, "તેજસ પટેલે જ્યારે આ વીડિયો બનાવ્યો ત્યારે તેઓ પોતે નશાની હાલતમાં હોવાનું જણાઈ રહ્યું છે." DHO ના આ નિવેદન બાદ હવે આ મામલો વધુ પેચીદો બન્યો છે.
સચોટ તપાસની ખાતરી
સમગ્ર વિવાદ અંગે સ્પષ્ટતા કરતા DHO એ જણાવ્યું કે, વિભાગ આ મામલાને ગંભીરતાથી લઈ રહ્યો છે અને સમગ્ર પ્રકરણની સચોટ તપાસ કરવામાં આવશે. જે લોકોના નામ વીડિયોમાં લેવામાં આવ્યા છે અથવા જેમના વીડિયો વાયરલ થયા છે, તેમની પાસેથી પણ ખુલાસો માંગવામાં આવશે. જો તપાસમાં કોઈ પણ દોષિત જણાશે અથવા જો આક્ષેપો ખોટા સાબિત થશે, તો જવાબદારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.