android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Kutch: પધ્ધર 4 કરોડ દારૂ કેસમાં રેન્જ આઈજીની લાલ આંખ, PI અને PSI સહિત 5 પોલીસકર્મીઓ સસ્પેન્ડ

calendar_todayFebruary 21, 2026

Kutch: પધ્ધર 4 કરોડ દારૂ કેસમાં રેન્જ આઈજીની લાલ આંખ, PI અને PSI સહિત 5 પોલીસકર્મીઓ સસ્પેન્ડ

કચ્છના પધ્ધર વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પાડવામાં આવેલા રૂ. 4 કરોડના દારૂના દરોડા બાદ સ્થાનિક પોલીસ તંત્રમાં મોટી તવાઈ આવી છે. રાજ્યના ગૃહ વિભાગ અને પોલીસ વડાની કડક સૂચના બાદ, બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયાએ ફરજમાં બેદરકારી દાખવવા બદલ પધ્ધર પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ સહિત પાંચ પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.

સસ્પેન્ડ કરવામાં આવેલા અધિકારીઓ અને કર્મચારીઓ

દારૂના આટલા મોટા જથ્થાની હેરાફેરીમાં સ્થાનિક પોલીસની નિષ્ફળતા અથવા મિલીભગતની આશંકાને પગલે એ.જી. પરમાર (પધ્ધર PI) - સસ્પેન્ડ, વાય.એસ. ઝાલા (પધ્ધર PSI) - સસ્પેન્ડ, મહેન્દ્રસિંહ જાડેજા (ASI) - સસ્પેન્ડ, મહિપાલસિંહ નરેન્દ્રસિંહ (ASI) - સસ્પેન્ડ, નીલેશ પુનમાભાઈ (હેડ કોન્સ્ટેબલ) - સસ્પેન્ડ.  કાર્યવાહી કરવામાં આવી છે:

LCB અને ડી-સ્ટાફ સામે પણ કાર્યવાહી

માત્ર પધ્ધર પોલીસ સ્ટેશન જ નહીં, પરંતુ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) સામે પણ સવાલો ઉભા થતા બદલીના આદેશો છૂટ્યા છે. LCBના PI એ.એમ. મકવાણા અને PSI જાદવની લીવ રિઝર્વમાં બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત, પધ્ધર પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફના અન્ય હેડ કોન્સ્ટેબલોને પણ તાત્કાલિક ધોરણે હેડ ક્વાર્ટરમાં ખસેડવામાં આવ્યા છે.

પોલીસ બેડામાં ફફડાટ

ઉલ્લેખનીય છે કે, જ્યારે પણ SMC દ્વારા કોઈ વિસ્તારમાં મોટી રેડ કરવામાં આવે છે, ત્યારે સ્થાનિક પોલીસ સ્ટેશન અને ક્રાઈમ બ્રાન્ચની કામગીરી સામે શંકા જાગે છે. પધ્ધરના આ કિસ્સામાં 4 કરોડનો જંગી દારૂ ઝડપાતા રેન્જ આઈજી દ્વારા લેવાયેલા આ કડક પગલાંએ સમગ્ર જિલ્લાના પોલીસ બેડામાં ફફડાટ મચાવી દીધો છે. આ કાર્યવાહી સ્પષ્ટ સંકેત આપે છે કે દારૂબંધીના કડક અમલમાં બેદરકારી દાખવનાર કોઈપણ અધિકારીને છોડવામાં આવશે નહીં.

આ પણ વાંચો: Ahmedabad: સાબરમતી રિવરફ્રન્ટ પર 'ચાય પે ચર્ચા' અને વણેલા ગાંઠિયા, નીતિન નબીને યુવાનો સાથે કરી બજેટ પર વાત