calendar_todayMay 3, 2026
Kutch: માંડવીના નાના લાયજા-પાંચોટીયા વિસ્તારમાંથી ચરસના 7 પેકેટ ઝડપાયા
કચ્છના દરિયાકાંઠેથી ફરી એકવાર નશીલા પદાર્થો બિનવારસી હાલતમાં મળી આવ્યા છે. માંડવી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા નાના લાયજા અને પાંચોટીયા કોસ્ટલ વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓના સંયુક્ત પેટ્રોલિંગ દરમિયાન ચરસના 7 શંકાસ્પદ પેકેટ મળી આવતા હડકંપ મચી ગયો છે.
પેટ્રોલિંગ દરમિયાન મળી સફળતા
મળતી માહિતી મુજબ, ઈન્ટેલિજન્સ ઓફિસર કે.બી. ચારણ, M.T.F. પો.સ.ઈ. પી.એલ. ગઢવી અને તેમની ટીમ સહિત LIB અને માંડવી પોલીસનો સ્ટાફ દરિયાકાંઠાના વિસ્તારોમાં જોઈન્ટ કોસ્ટલ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન આજે સવારે અંદાજે 9:00 વાગ્યાની આસપાસ પાંચોટીયા નાલ અને રાવલ પીર ડેરી વચ્ચેના વિસ્તારમાં પોલીસને કેટલીક શંકાસ્પદ વસ્તુઓ દેખાઈ હતી.
7 પેકેટ કબજે કરાયા
પોલીસની ટીમે નજીક જઈ તપાસ કરતા દરિયાના મોજા સાથે તણાઈને આવેલા ચરસના 7 શંકાસ્પદ પેકેટ મળી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક અસરથી આ તમામ પેકેટોને કબજે કર્યા છે. આ નશીલો પદાર્થ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કયા આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓનો હાથ છે, તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.