calendar_todayApril 16, 2026
Kutch News: પાણીપુરી ખાતા લોકો સાવધાન! 100થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ થતા હોસ્પિટલો ઉભરાઈ
કચ્છના ભુજ તાલુકાના લોડાઈ ગામમાં ફૂડ પોઇઝનિંગની એક મોટી ઘટના સામે આવી છે. ગામમાં પાણીપુરી ખાધા બાદ એકસાથે 100થી વધુ લોકોની તબિયત લથડતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ છે. સામાન્ય નાસ્તો કરવા ગયેલા લોકો માટે આ પાણીપુરી સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ છે.
ચોતરફ ઊલટી અને ઝાડાના કેસ
ઘટનાની મળતી માહિતી અનુસાર, લોડાઈ ગામમાં પાણીપુરી ખાધાના થોડા જ સમયમાં લોકોને ઉબકા, ઉલટી અને ઝાડા જેવી ફરિયાદો થવા લાગી હતી. જોતજોતામાં દર્દીઓનો આંકડો 100 ને વટાવી ગયો હતો, જેમાં બાળકો અને મહિલાઓની સંખ્યા પણ મોટી હોવાનું જાણવા મળી રહ્યું છે. એકસાથે આટલી મોટી સંખ્યામાં લોકો બિમાર પડતા ગામમાં આરોગ્યની કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ હતી.
ભુજની હોસ્પિટલોમાં સારવાર શરૂ
બિમાર પડેલા તમામ લોકોને તાત્કાલિક અસરથી ભુજની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની ટીમ પણ સતર્ક થઈ ગઈ છે, અને લોડાઈ ગામે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ પાણીપુરીના પાણીમાં અથવા બટાકાના મસાલામાં ગરબડ હોવાને કારણે આ ફૂડ પોઇઝનિંગ થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પાણીપુરીના નમૂના લઈ તપાસ માટે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો - Palanpur News: જગાણાની એકલવ્ય મોડલ સ્કૂલમાં ફૂડ પોઇઝનિંગ, દાળ-ભાત ખાધા બાદ 10 બાળકોની તબિયત લથડી