calendar_todayJune 2, 2026
Kutch News: ભચાઉમાં અઢી કરોડનું મસમોટું મીઠા કૌભાંડ ઝડપાયું, 15 શખ્સો સામે ગુનો દાખલ
કચ્છ જિલ્લાના ભચાઉ પંથકમાંથી કરોડો રૂપિયાનું મીઠું બારોબાર વેચી મારવાનું એક બહુ મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. શાતિર મીઠા માફિયાઓએ છેલ્લા 6 મહિનાની અંદર અંદાજે રૂ.2.5 કરોડની કિંમતનું 20 હજાર મેટ્રિક ટન મીઠું ચોરી કરીને બારોબાર સગેવગે કરી દીધું હતું. કંપનીના જ સતર્ક કર્મચારીઓએ ગુપ્ત વૉચ ગોઠવીને આ આખા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, જેમાં ટ્રક ડ્રાઇવરો અને વેબ્રિજ ઓપરેટરોની મિલીભગત સામે આવી છે.
સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાંથી 20 હજાર મેટ્રિક ટન મીઠું ગાયબ
ભચાઉ વિસ્તારમાં આવેલી અરિહંત સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝ, દુર્ગેશ સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝ અને શ્રીરામ સોલ્ટ વર્ક્સ નામની નામાંકિત કંપનીઓમાંથી આ કરોડોની ચોરી આચરવામાં આવી હતી. મીઠા માફિયાઓએ ફેક્ટરીના માણસો અને વજન કાંટા (વેબ્રિજ)ના કર્મચારીઓને લાલચ આપી પોતાના પક્ષમાં કરી લીધા હતા. કંપનીમાંથી મીઠું ભરીને નીકળતી ટ્રકોનું વજન અને ડેટામાં ફેક ફેરફારો કરીને આખેઆખો માલ બારોબાર વેચી મારવામાં આવતો હતો.
ભરત ખટારીયા નીકળ્યો આખા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર
આ મસમોટા કૌભાંડનો માસ્ટરમાઇન્ડ નંદગામનો ભરત ખટારીયા હોવાનું સામે આવ્યું છે. ભરત ખટારીયા અગાઉ પણ આ પ્રકારની ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો ગુનેગાર છે. તેણે આ ચોરીને સુવ્યવસ્થિત અંજામ આપવા માટે 7 જેટલા ટ્રક ડ્રાઇવરો અને વેબ્રિજના 4 ઓપરેટરો તેમજ સુપરવાઇઝરોને મોટી લાલચ આપીને ફોડી નાખ્યા હતા. આ તમામ લોકો ભેગા મળીને છેલ્લા અડધા વર્ષથી કંપનીની આંખમાં ધૂળ નાખીને કરોડોનો ચૂનો લગાડી રહ્યા હતા.
15 શખ્સો સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ
કંપનીના અધિકારીઓને શંકા જતાં તેમણે ખાનગી રાહે તપાસ અને વોચ ગોઠવી હતી, જેમાં આ આખી મોડસ ઓપરેન્ડી પકડાઈ ગઈ હતી. આ મામલે ભચાઉ પોલીસ મથકે મુખ્ય સૂત્રધાર ભરત ખટારીયા, શંભુ ડાંગર, નારાયણ ભુયાન, સુલતાનભાઈ, 4 સુપરવાઇઝર અને 7 ટ્રક ડ્રાઇવરો સહિત કુલ 15 લોકો સામે વિશ્વાસઘાત, ચોરી અને છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આ રેકેટના અન્ય તાર ક્યાં જોડાયેલા છે તે દિશામાં અને આરોપીઓની અટકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો