calendar_todayFebruary 12, 2026
Ladle Mashak Dargah : મહાશિવરાત્રી પહેલા લાડલે મશક દરગાહ મામલે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
મહાશિવરાત્રીના પાવન તહેવાર પહેલા કર્ણાટકના કલબુર્ગી જિલ્લાના અલાંદ ખાતે આવેલી લાડલે મશક દરગાહ ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ સ્થળ હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાય માટે ધાર્મિક રીતે મહત્વ ધરાવે છે. અહીં એક તરફ 14મી સદીના સૂફી સંત સાથે સંકળાયેલ દરગાહ છે, તો બીજી તરફ 15મી સદીના હિન્દુ સંત રાઘવ ચૈતન્યની સમાધિ અને શિવલિંગ પણ આવેલ છે. વર્ષોથી બંને સમુદાયના લોકો અહીં શ્રદ્ધાપૂર્વક આવતા રહ્યા છે.
મહાશિવરાત્રી દરમિયાન અહીં શિવ પૂજા રોકવાની માંગ
તાજેતરમાં મહાશિવરાત્રી દરમિયાન અહીં શિવ પૂજા રોકવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી ખલીલ અન્સારી દ્વારા કરવામાં આવી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે મિલકત વકફ સંપત્તિ છે અને ત્યાં કોઈપણ પ્રકારની પૂજા, મેળાવડા અથવા ગેરકાયદેસર પ્રવેશને રોકવા માટે વચગાળાનો આદેશ આપવો જોઈએ.
આ કેસ પહેલેથી જ કર્ણાટક હાઈકોર્ટમાં પેન્ડિંગ
આ મામલે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ દીપાંકર દત્તા અને સતીશ ચંદ્ર શર્માની બેન્ચે સુનાવણી કરી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ કેસ પહેલેથી જ કર્ણાટક હાઈકોર્ટમાં પેન્ડિંગ છે, તેથી અરજદાર બંધારણની કલમ 32 હેઠળ સીધા સુપ્રીમ કોર્ટમાં આવી શકતા નથી. બેન્ચે કહ્યું કે જ્યારે મામલો હાઈકોર્ટમાં વિચારાધીન હોય ત્યારે સુપ્રીમ કોર્ટ હસ્તક્ષેપ નહીં કરે.
હાઈકોર્ટે પહેલેથી જ આ મામલે કેટલાક નિર્દેશ
અરજદાર પક્ષના વકીલે દલીલ કરી હતી કે હાઈકોર્ટે પહેલેથી જ આ મામલે કેટલાક નિર્દેશ આપ્યા છે અને અહીં પૂજા સ્થાનોના અધિનિયમ (Places of Worship Act) સાથે સંબંધિત પ્રશ્નો પણ સામેલ છે. તેમણે વિનંતી કરી હતી કે આ કેસને સમાન કેસો સાથે જોડીને સાંભળવામાં આવે. પરંતુ સુપ્રીમ કોર્ટે આ દલીલો સ્વીકાર્યા વગર અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો.
અંતિમ નિર્ણય વકફ ટ્રિબ્યુનલ
કોર્ટે વધુમાં જણાવ્યું કે મિલકત વકફ છે કે નહીં તેનો અંતિમ નિર્ણય વકફ ટ્રિબ્યુનલ દ્વારા લેવાશે. એટલે કે, માલિકી અને ધાર્મિક અધિકારો અંગેનો વિવાદ ટ્રિબ્યુનલના નિર્ણય પર આધારિત રહેશે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2025માં કર્ણાટક હાઈકોર્ટે 15 હિન્દુ ભક્તોને મહાશિવરાત્રીના દિવસે રાઘવ ચૈતન્ય સમાધિ સ્થિત શિવલિંગ પર વિધિ કરવાની મંજૂરી આપી હતી. આ નિર્ણય બાદ સ્થળ પર સુરક્ષા વ્યવસ્થા પણ વધારવામાં આવી હતી, કારણ કે 2022માં ધાર્મિક અધિકારોના વિવાદને કારણે અહીં તણાવ સર્જાયો હતો.
સહઅસ્તિત્વ અને સાંપ્રદાયિક એકતાનું પ્રતિક
લાડલે મશક દરગાહ ઐતિહાસિક રીતે સહઅસ્તિત્વ અને સાંપ્રદાયિક એકતાનું પ્રતિક રહી છે. બંને સમુદાયના લોકો અહીં માનતા અને શ્રદ્ધા સાથે આવે છે. હાલમાં કાનૂની પ્રક્રિયા ચાલુ છે અને અંતિમ નિર્ણય વકફ ટ્રિબ્યુનલ તથા હાઈકોર્ટના આદેશો પર નિર્ભર રહેશે.
આ પણ વાંચો : China Central Asia : મધ્ય એશિયામાં ચીનની એન્ટ્રી, રશિયાની પકડ કેમ ઘટી રહી છે?