calendar_todayOctober 21, 2026
Lawrence Bishnoi: ફક્ત 35 હજાર રૂપિયામાં સુપારી! મૂસેવાલાથી ટાઈગર શ્રોફ સુધી..લૉરેન્સ ગેંગના 'ડિસ્પોઝેબલ શૂટર' મોડેલનો પર્દાફાશ
ટાઇગર શ્રોફ ગોળીબાર કેસમાં લોરેન્સ બિશ્નોઇ ગેંગની મોડસ ઓપરેન્ડી અંગે તપાસ કરતા એજન્સીઓને એક ખાસ પેટર્ન જોવા મળી છે. સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસ, બાબા સિદ્દીકી હત્યા કેસ અને હવે ટાઇગર શ્રોફ પર થયેલા હુમલાના કેસમાં એકસરખી પેટર્ન અપનાવવામાં આવી છે.
છેલ્લા 2-3 દિવસથી દેશભરમાં એક જ નામની ચર્ચા થઈ રહી છે — લૉરેન્સ બિશ્નોઈ. લૉરેન્સ હાલ તો ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે, પરંતુ જેલની બહાર તેની ગેંગ સતત ગુનાહિત ઘટનાઓને અંજામ આપી રહી છે. તાજેતરમાં અભિનેતા ટાઇગર શ્રોફ પર થયેલો હુમલો પણ આવી જ એક ઘટના છે.
આ ઘટનાની તપાસ કરનાર એજન્સીઓએ ગેંગની કામગીરીની મોડસ ઓપરેન્ડીમાં એક પેટર્નની નોંધ લીધી છે, જેને 'લો-કૉસ્ટ, ડિસ્પોઝેબલ શૂટર' મૉડેલ કહેવામાં આવી રહ્યું છે. તેનો અર્થ થાય છે ‘ઓછા ખર્ચે અને જરૂર પડે ત્યારે સહેલાઈથી છોડી શકાય એવા શૂટર્સ’ને એકત્ર કરવાનું મોડલ.
આ નેટવર્કમાં ઓછી ઉંમરના અને ઓછો અનુભવ ધરાવતા યુવકોને થોડા હજાર રૂપિયાની લાલચ આપીને શૂટર બનાવવામાં આવે છે. તેમને પૈસા, મોજશોખ અને વિદેશમાં વસાવવાની લાલચ આપવામાં આવે છે. એટલે કે, ગેંગના મોટા ગુનેગારો કાચી ઉંમરના એવા યુવકોને પોતાના નેટવર્કમાં સામેલ કરે છે, જેમનો જરૂર પડે ત્યારે સહેલાઈથી ઉપયોગ કરીને ફેંકી શકાય. જો આ યુવકો પકડાઇ જાય તો તેમની સામે જ કેસ ચાલે અને સજા તેમને થાય પરંતુ ગેંગના મોટા માથાને કોઇ અસર પહોંચે નહિ. સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસ અને ટાઇગર શ્રોફ પર થયેલી ગોળીબારની ઘટનામાં આ પેટર્નની નોંધ લેવાઇ છે.
પરંતુ સવાલ એ છે કે લૉરેન્સ બિશ્નોઈ ગૅંગની આ ‘ઓછા ખર્ચે શૂટર્સ તૈયાર કરવાની અને કામ થઇ જાય એટલે તેમને છુટા કરી દેવાની' પદ્ધતિ આખરે કેવી રીતે કામ કરે છે?
ટાઇગર શ્રોફ કેસમાં ગેંગની કામગીરી
ટાઇગર શ્રોફ પર થયેલા હુમલાની વાત કરીએ તો, અમેરિકામાં રહેતા ગેંગસ્ટર અનિલ પંડિતે આ હુમલાની જવાબદારી લીધી હતી. અનિલ પંડિત હરિયાણાનો રહેવાસી છે, પરંતુ હાલમાં અમેરિકામાં છે. તેણે આ હુમલાને અંજામ આપવા માટે ઓછી ઉંમરના શૂટર્સની શોધ શરૂ કરી હતી. તેની પસંદગી હરિયાણાના રેહાન, બિહારના બેગુસરાયના ઋતિક અને સોનીપતના ફૂલસિંહ પર આવીને અટકી હતી.
સૌથી મહત્ત્વની વાત એ છે કે અનિલ પંડિતે એવા યુવકોની પસંદગી કરી હતી, જેઓ અગાઉ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા અને નાના-મોટા ગુનાઓમાં જેલમાં જઈ ચૂક્યા હતા. ત્યાર બાદ તેમને 35 હજાર રૂપિયા આપવાની અને અમેરિકા-કેનેડામાં રહેતા કુખ્યાત ગેંગસ્ટર્સના નામે ધાક જમાવવાની લાલચ આપીને આ કામ માટે તૈયાર કરવામાં આવ્યા હતા.
આ યુવકોએ શરૂઆતના 15 દિવસ સુધી મુંબઈમાં મોટા ફિલ્મ કલાકારોની અવરજવર પર નજર રાખી હતી. તેમની યાદીમાં અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર અને સલમાન ખાન જેવા મોટા કલાકારોનાં નામ પણ હતાં. જોકે, આ કલાકારોની સુરક્ષા વ્યવસ્થા ઘણી કડક હોવાનું જણાતાં તેમણે બીજા કોઈ કલાકારને નિશાન બનાવવાનું વિચાર્યું હતું.
ત્યાર બાદ તેમણે લોકો સાથે વાતચીત કરીને એ જાણવાનો પ્રયાસ કર્યો કે ફિલ્મજગતમાં એવો કયો કલાકાર છે, જેની સાથે સરળતાથી તસવીર ખેંચાવી શકાય. લોકો પાસેથી તેમને જાણવા મળ્યું કે ટાઇગર શ્રોફ આ બાબતમાં સરળતાથી મળી જાય છે અને ચાહકોને સહેલાઈથી તસવીર પડાવવાની તક આપે છે.
ત્યાર બાદ જાણીતા કલાકારોની અવરજવરનાં દૃશ્યો દર્શાવતા પાપારાઝી વીડિયોની મદદથી તેમને જાણવા મળ્યું કે ટાઇગર દરરોજ સાંજે પુષ્પા પાર્કમાં ફૂટબૉલ રમવા જાય છે. તેમણે ટાઇગરની અવરજવર અને રોજિંદા સમયપત્રક પર નજર રાખી હતી. ફૂટબૉલ રમીને પાછા ફરતી વખતે ટાઇગર સાથે માત્ર એક જ ડ્રાઇવર જ રહેતો હોવાનું જાણવા મળ્યા બાદ તેમણે પોતાની યોજનાને અંજામ આપ્યો હતો.
મૂસેવાલા હત્યા કેસ સાથે મળતી આવે છે હુમલાની રીત
આ કેસમાં જોવા મળેલી રીત સિદ્ધુ મૂસેવાલા અને બાબા સિદ્દીકીની હત્યાના કેસ સાથે મળતી આવે છે.
સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસમાં કેનેડામાં રહેતા ગોલ્ડી બરાડે 6 શૂટર્સ મોકલ્યા હતા અને તેમને મૂસેવાલાની હત્યા કરવાની જવાબદારી સોંપી હતી. બીજી તરફ, બાબા સિદ્દીકીની હત્યાનું કાવતરું લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ ઘડ્યું હતું. તેણે શૂટર્સની પસંદગી કરીને તેમને બાબા સિદ્દીકીની હત્યાની સોપારી આપી હતી.
જ્યારે ટાઇગર શ્રોફ પર થયેલા ગોળીબારના કેસમાં અમેરિકામાં રહેતા ગેંગસ્ટર અનિલ પંડિતે શૂટર્સને મોકલ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ ગેંગ હુમલાને અંજામ આપવા માટે કોઈ એક જ શૂટર પર આધાર રાખતી નથી, પરંતુ એક ચોક્કસ પદ્ધતિને અનુસરે છે.
સૌપ્રથમ વિદેશમાં બેઠેલા ગેંગસ્ટરો હુમલાનું આયોજન કરે છે. ત્યાર બાદ સ્થાનિક સ્તરે નાના-મોટા ગુનાઓમાં સંડોવાયેલા યુવકોને શોધીને તેમને આ કામ સોંપવામાં આવે છે. આ યુવકો લક્ષ્ય પર નજર રાખે છે, તેની અવરજવર અને રોજિંદા સમયપત્રક વિશે માહિતી મેળવે છે અને ત્યાર બાદ નક્કી કરેલા દિવસે ગુનાને અંજામ આપે છે.
ઓછી ઉંમરના યુવકોને શૂટર તરીકે પસંદ કરે છે
સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસમાં લગભગ એક વર્ષ સુધી તૈયારી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. આ કેસમાં શૂટર અંકિત સિરાસાને જવાબદારી સોંપવામાં આવી હતી.
આ ગેંગ ‘યુવા શૂટર્સ’ની પદ્ધતિ અપનાવે છે. ટાઇગર શ્રોફના કેસમાં પણ આ નેટવર્કે 18થી 21 વર્ષની ઉંમરના યુવકોની પસંદગી કરી હતી. તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ગેંગ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને બિહારમાંથી ઓછી ઉંમરના અને ઓછો અનુભવ ધરાવતા યુવકોને પોતાની સાથે જોડે છે.
શરૂઆતમાં આ યુવકોને નાની-મોટી જવાબદારીઓ સોંપવામાં આવે છે. જેમ કે, સંદેશા દ્વારા ધમકી આપવી, સામાજિક માધ્યમો પર ધમકીભરી પોસ્ટ મૂકવી, હથિયાર કે સિમકાર્ડ પહોંચાડવાં વગેરે. આ કામ માટે તેમને બહુ ઓછા પૈસા આપવામાં આવે છે. 30થી 50 હજાર રૂપિયામાં કોઈની હત્યા કરવાની જવાબદારી પણ તેમને સોંપવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. એટલે કે, મોટા ગુના માટે હંમેશાં મોટી રકમ ચૂકવવામાં આવે એવું જરૂરી નથી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ યુવકો નાની રકમમાં પણ આવાં કામ કરવા તૈયાર થઈ જાય છે.
આ યુવકોને પૈસા કરતાં ગેંગ સાથે જોડાવાની, સામાજિક માધ્યમો પર મોટું નામ બનાવવાની, ગુનાની દુનિયામાં પોતાનો દબદબો ઊભો કરવાની અને જેલમાં બંધ ગેંગસ્ટરો પ્રત્યે વફાદારી સાબિત કરવાની લાલચ વધુ હોય છે.
શૂટર્સ સુધી પૈસા કેવી રીતે પહોંચે છે?
શૂટર્સને પૈસા સીધા બેંક મારફતે આપવામાં આવતા નથી. તપાસમાં સામે આવ્યું છે કે તેમને હવાલા, રોકડ પહોંચાડનારા કુરિયર અને નાના-નાના નાણાકીય વ્યવહારો મારફતે પૈસા પહોંચાડવામાં આવે છે. ઘણી વખત સ્થાનિક લોકોના સંપર્કો દ્વારા પણ રકમ આપવામાં આવે છે. સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસમાં પણ હવાલા મારફતે નાણાકીય વ્યવહારો થયા હોવાની વાત સામે આવી હતી.
વર્ષ 2025માં થયેલા બાબા સિદ્દીકી હત્યા કેસમાં પણ આવી જ પદ્ધતિ જોવા મળી હતી. સાબરમતી જેલમાં બંધ લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ આ હત્યાનું કાવતરું ઘડ્યું હોવાનો આરોપ છે. તેણે ઓછી ઉંમરના શૂટર્સની પસંદગી કરી હતી અને સિગ્નલ ઍપ દ્વારા તેમના સંપર્કમાં રહ્યો હતો. તપાસમાં સામે આવ્યું હતું કે હત્યાને અંજામ આપવા માટે 17 લાખ રૂપિયાની સોપારી આપવામાં આવી હતી.
આ ગુનાને અંજામ આપવા માટે ઉત્તર પ્રદેશમાંથી ઓછી ઉંમરના અને ઓછો અનુભવ ધરાવતા શૂટર્સની પસંદગી કરવામાં આવી હતી. તેમને મોટી રકમની લાલચ આપવામાં આવી હતી. ત્યાર બાદ તેમણે પહેલાં નજર રાખી અને પછી ગોળીબાર કર્યો હતો. આ કેસમાં પણ બેંક મારફતે નાણાંની લેવડદેવડ કરવાને બદલે હવાલા દ્વારા પૈસા પહોંચાડવામાં આવ્યા હોવાની વાત સામે આવી હતી.
શૂટર્સ પકડાઇ જાય, પણ મોટા ગેંગસ્ટરો સુધી ન પહોંચે તપાસ
આ ગેંગની કામગીરીની પદ્ધતિ પરથી જણાય છે કે તે તપાસ એજન્સીઓને સતત ભ્રમમાં રાખવા માટે અપનાવવામાં આવતી હોય છે. ગુનાની તપાસમાં શૂટર્સની ઓળખ થઈ જાય અને તેઓ પકડાઈ જાય તો પણ તપાસ એજન્સીઓ માટે તેમના સુધી પહોંચેલા મોટા ગૅંગસ્ટરો સુધી પહોંચવું મુશ્કેલ બને.