calendar_todayFebruary 22, 2026
પોલીસ પંચાત : નારોલ પોલીસની હદમાં દારૂના વેપલા પર એજન્સીઓની તવાઈ, આ LCB ઝોન પોલીસ મથકમાં ‘ભા’ કોણ છે ?
પોલીસ પંચાતમાં દર અઠવાડિયે સંદેશ ડિજિટલ દ્વારા પોલીસ વિભાગમાં ચાલતી ચર્ચાઓ, અમુક એવી ઈન્ટર્નલ ઘટનાઓ કે જે કદાચ લાગે નાની પણ બહાર પડે તો નોંધ લેવા જેવી બની જાય. આ એક એવી રેગ્યુલર કોલમ છે કે જેના માધ્યમથી અમે પોલીસ વિભાગનું જ ધ્યાન દોરીને ક્યાંક ત્રુટી રહી ગઈ હોય તો તેને સરખી કરવા માટેનું પરિબળ બની રહેવા માંગીએ છે. વાંચો આ વખતે શું ખાસ છે પોલીસ પંચાતમાં.
પૂર્વ વિસ્તારના ક્રીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુદી-જુદી એજન્સીઓએ એક મહિનાની અંદર કરી 5 રેડ
છેલ્લા 10 દિવસમાં નારોલ પોલીસ સ્ટેશનની હદમાંથી જુદી-જુદી એજન્સીઓ દ્વારા પાંચ વખત રેડ પાડીને દારૂ અને જુગારના અડ્ડાઓ તથા દારૂની હેરાફેરીમાં પોલીસની બેદરકારી છતી કરવામાં આવી છે, 19 ડીસેમ્બરના રોજ પીસીબીએ નારોલના ટ્રાન્સપોર્ટ નગરમાં આવેલા કુરિયર કંપનીના ગોડાઉનમાં દરોડા પાડીને ભારતીય બનાવટની વિદેશી દારુની 994 બોટલો ઝડપી પાડી હતી. જો કે આ મામલે ત્રણ આરોપીને વોન્ટેડ દર્શાવામાં આવ્યા હતા. 04 ફેબ્રુઆરીના રોજ ક્રાઈમ બ્રાંચે નારોલ રાણીપુર ગામ પાસે સારસ્વત પાર્સલ સર્વિસના ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં 1338 નંગ વિદેશી દારુની બોટલો સહીત કુલ રૂ. 3. 63 લાખનો મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. 08 ફેબ્રુઆરીના રોજ પીસીબીએ અસલાલી સર્કલ પહેલા આવેલા સાઈનાથ પાર્કિંગ એન્ડ વોશિંગ પાસેથી હિમાચલ પ્રદેશના પાર્સીંગની ગાડીમાંથી હેલ્મેટની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારુની 10749 નંગ બોટલો જપ્ત કરવામાં આવી હતી. અને એક આરોપીની ધરપકડ કરાઈ હતી. 15 ફેબ્રુઆરીના રોજ પીસીબીએ વિશાલા સર્કલથી નારોલ સર્કલ તરફ જતા દેવ હોટલ પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારુની 863 નંગ દારુની બોટલો સાથે કુલ રૂ.9.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી હતી અને ચાર આરોપીઓ વોન્ટેડ બતાવ્યા હતા.
LCB ઝોનમાં જીત અપાવનાર "ભા"નો વિસ્તારમાં દબદબો
અમદાવાદ શહેરમાં અલગ-અલગ ઝોન પ્રમાણે એલસીબી પોલીસના ઝોનનો સ્ટાફ કાર્યરત છે અને જે તે વિસ્તાર પ્રમાણે તે લોકો કામગીરી કરીને પોલીસ સ્ટેશનને આરોપી સોંપતા હોય છે, ઈસ્કોનની નજીક અને એક જાણીતી હોટલ નજીક આવેલ એક ઝોનની ઓફિસ કે, આ ઓફિસમાં જીતની જીત હંમેશા રહી છે, ત્યારે આ જીત ફકત એક સ્ટાફ પૂરતી નથી પણ ભાની પોતાની પણ છે, કેમકે લાંબા સમયથી ઝોનની ઓફિસમાં ફરજ બજાવતા ભા હવે ઝોનના વિસ્તારમાં બાજ નજર રાખીને ફરી રહ્યાં છે અને 2 મોટા પોલીસ સ્ટેશનના ઉઘરાણા પણ કરી રહ્યાં છે, ત્યારે આ જીતને સૌથી વ્હાલા રૂપિયા છે તો એજ ઝોનમાં આવેલા ઘણા પોલીસ સ્ટેશનના કર્મચારીઓનું કહેવું છે કે, જીતને તો ઉચ્ચ અધિકારીની આશિર્વાદ છે એટલે તેમને તો સાચવી જ લેવા પડે.
સેકન્ડ PIએ રોલકોલમાં સ્ટાફને દમ માર્યો, NDPSના કેસો કરો, કોન્સ્ટેબલે કહ્યું આ ખાવાના ખેલ નથી
અમદાવાદનું છેલ્લું પોલીસ સ્ટેશન અને ગાંધીનગરથી નજીક આવેલ એક પોલીસ સ્ટેશન કે જયાં 2 પોલીસ ઈન્સ્પેકટર છે અને સેકન્ડ પીઆઈએ રોલકોલ બોલાવ્યો હતો જેમાં તમામ સ્ટાફ હાજર હતો, પીઆઈએ કીધુ મારે એનડીપીએસના કેસ જોઈએ છે, બધુ છોડીને એ કામ કરો પહેલા, ત્યારે એક કોન્સ્ટેબલે કહ્યું સાહેબ આ ખાવાનું કામ નથી કે તરત એનડીપીએસના કેસ મળી જાય, ત્યારે અન્ય સ્ટાફ પણ મનમાં હસી પડયો, તો બીજી તરફ એનડીપીએસના કેસ કરવા માટે ઘણા અધિકારીઓ આનાકાની પણ કરતા હોય છે કેમકે તે કેસને લઈ પ્રોસેસ મોટી હોય છે અને ઘણાખરાને તો આ કેસને કઈ રીતે હેન્ડલ કરવો તેની પણ જાણ હોતી નથી.
અમદાવાદ શહેરમાં ગોગો સ્મોકિંગ કોનને લઈ કામગીરી ઢીલી થઈ !
અમદાવાદ શહેર પોલીસ ડ્રગ્સ અને ગાંજો તો પકડીને લાવે છે પરંતુ ગાંજો ફૂંકવા માટે જે રોલ વપરાય છે તેને ગોગો સ્મોકિંગ રોલ તરીકે ઓળખવામાં આવે છે, થોડાક સમય પહેલા અમદાવાદ શહેર પોલીસે અલગ-અલગ વિસ્તારોમાં પાનના ગલ્લા પર જઈને ગોગો કોન વેચતા વેપારીઓ સામે કાર્યવાહી કરીને વાહ વાહ લૂંટી તો લીધી પરંતુ આ ડ્રાઈવ હવે ધીરી પડી ગઈ છે તેવું પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું છે, ત્યારે આ ડ્રાઈવને લઈ વેપારીઓમાં તો પોલીસનો ફફડાટ છે પરંતુ અમુક પોલીસ આવા વેપારીઓને સબંધમાં સાચવી રહી છે અને ગોગો કોનનું વેચાણ થઈ રહ્યું છે, ત્યારે શહેરમાં ગોગો કોન વેચાતા બંધ તો નથી પરંતું વેચાણની સ્ટાઈલ બદલાઈ ગઈ છે, તમને વેપારી ઓળખતો હશે તો ગોગો કોન આરામથી તમને મળી જશે.
અમદાવાદ શહેરમાં PIઓની બદલી અટકી કે શું ! ઈન્ચાર્જ પોલીસ સ્ટેશન હજી ઈન્ચાર્જ PIમાં જ ચાલશે ?
અમદાવાદ શહેરમાં 5 કરતા વધુ પોલીસ સ્ટેશન હાલ ઈન્ચાર્જ પીઆઈમાં ચાલી રહ્યાં છે અને બદલીઓ આવશે તેમ વિચારીને ઈન્ચાર્જ પીઆઈ પણ કામ કરી રહ્યાં છે અને તેમની પર કામનું ભારણ પણ વધ્યું છે, પરંતુ સૂત્રો તરફથી એવી માહિતી સામે આવી છે કે, જયારે જિલ્લા બદલી આવશે અને ત્યારબાદ અમદાવાદ શહેર પોલીસમાં ફેરફાર આવશે અને બદલીઓ આવશે, ત્યારે ઈન્ચાર્જ પોલીસ સ્ટેશનના પીઆઈ પણ 2 પોલીસ સ્ટેશનની જવાબદારીના કારણે કંટાળી ગયા છે, પોલીસ બેડામાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, સાહેબ હવે ઈન્ચાર્જ પોલીસ સ્ટેશનમાં કાયમી પીઆઈની જગ્યા ભરાય તો સારૂ છે.