calendar_todayOctober 18, 2026
બનાસકાંઠા LCBએ 18થી વધુ ગુનામાં સંડોવાયેલા આંતરરાજ્ય અવસા ગેંગના મુખ્ય સુત્રધારને દબોચ્યો
ગુજરાત, કર્ણાટક અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં ઘરફોડ ચોરીઓ તથા મંદિરોમાં ચોરીઓ આચરનારી રાજસ્થાનના સિરોહી પંથકની કુખ્યાત આંતરરાજ્ય અવસા(બળેલા) ગેંગનો મુખ્ય સુત્રધાર ખુશાલસિંહ ઉર્ફે અરવિંદસિંહ ઉર્ફે અવસા ઉર્ફે બળેલા મોહબ્બતસિંહ ચૌહાણને બનાસકાંઠા એલ.સી.બી. પાલનપુરની ટીમે ઝડપી પાડયો છે. પકડાયેલા આરોપી પાસેથી રૂા.2,93,600 ની કિંમતની સોનાની લગડી સહિત કુલ રૂા.3,03,600 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. આ ધરપકડથી અમદાવાદ શહેરના સોલા અને મોટેરા વિસ્તારમાં થયેલી બે મોટી ઘરફોડ ચોરીઓનો પણ ભેદ ઉકેલાયો છે. હાલમાં ચાલી રહેલ નવરાત્રી પર્વ જિલ્લામાં શાંતિપૂર્ણ અને સૌહાદપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી બનાસકાંઠા રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ તથા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચનાથી અણઉકેલાયેલા ગુનાઓ શોધવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે એલ.સી.બી. પાલનપુરના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એમ.રાઠોડ અને પી.એસ.આઈ. આર.બી.જાડેજા તથા જે.એસ.ગઢવીના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો નાઈટ પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન એલ.સી.બી.ના એ.એસ.આઈ. અરજણાજી તથા એ.એસ.આઈ. વિજયસિંહની ટીમને રાત્રિના સમયે પાલનપુર નજીકના લુણવા ગામ પાસેથી એક શંકાસ્પદ ઈસમ મળી આવ્યો હતો. તેની તલાસી લેતા તેની પાસેથી સોનાની રણી મળી આવી હતી. સોનાની માલિકી અંગે આરોપી કોઈ યોગ્ય આધાર-પુરાવા રજુ કરી શક્યો ન હતો. કડક પુછપરછ દરમ્યાન જાણવા મળ્યું હતું કે આ ઈસમ મુળ રાજસ્થાનના સિરોહી જિલ્લાના જાવલ ગામનો રહેવાસી ખુશાલસિંહ ઉર્ફે બળેલો ચૌહાણ છે. પોલીસ પુછપરછમાં આરોપીએ કબુલાત કરી હતી કે તેના સાથીદારો મુકેશ ઉર્ફે મુક્લા રહે.અમદાવાદ અને નિખિલ હરીશંકર રહે.જાવલ, રાજસ્થાન સાથે મળીને ગત જન્માષ્ટમી સમયે અમદાવાદના સોલા વિસ્તારમાં એક બંધ મકાનની બારીની ગ્રીલ તોડી સોના-ચાંદીના દાગીના તથા સિક્કાની ચોરી કરી હતી. ઉપરાંત, આજથી આશરે 25 દિવસ પહેલાં તેણે અને મુકેશે મોટેરા વિસ્તારની દેવપ્રિયા સોસાયટીમાં એક બંધ મકાનની ગ્રીલ તોડી ચોરી કરી હતી. ચોરીના માલમાંથી પોતાના ભાગે આવેલા સોનાને તેણે કાલીન્દ્રી ખાતે રહેતા જીતુસિંહ રાજપૂત પાસે ગાળીને રણી બનાવડાવી હતી. જિલ્લા એલસીબીની ટીમે ઝડપી પાડેલા આરોપી ખુશાલસિંહ ઉર્ફે બળેલો રીઢો ગુનેગાર છે. તેની સામે રાજસ્થાનના બરલૂટ, કોતવાલી, કાલીન્દ્રી, કર્ણાટકના બેંગ્લોર તથા ગુજરાતના વડોદરા(ડભોઈ), મહેસાણા(લાંઘણાજ), અરવલ્લી(મોડાસા), સુરત(રાંદેર, મહિધરપુરા), રાજકોટ(ગાંધીધામ) અને અમદાવાદના માધુપુરા, કૃષ્ણનગર અને ચાંદખેડા પોલીસ સ્ટેશનોમાં ઘરફોડ ચોરી, મંદિર ચોરી અને લૂંટ સહિતની 18 થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો