calendar_todaySeptember 10, 2026
Limbdi: બેંક અને દસાડાના બે મંદિરમાં તસ્કરોનો હાથફેરો
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરીની વારદાતો ચિંતાજનક રીતે વધી રહી છે. જેમાં લીંબડી એસબીઆઈમાંથી રૂપીયા 1 લાખ મહિલા તફડાવી ગઈ છે. બીજી તરફ દસાડાના નાના ગોરૈયાની સીમમાં આવેલ હનુમાનજી મંદિર અને પાટડી-ખારાઘોડા રોડ પર આવેલ સીંધાઈ માતાના મંદિરે તસ્કરોએ હાથ ફેરો કર્યો છે. પોલીસે ચોરીની ફરિયાદો નોંધીને તસ્કરોનું પગેરૂ મેળવવા તપાસના ચક્રો ગતીમાન કર્યા છે.
લીંબડીના બહીલાપરામાં રહેતા 51 વર્ષીય મહેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ પરમાર લીંબડી તળાવ કાંઠે પોતાની માનવ સહાય ટ્રસ્ટની ઓફીસમાં પીજીવીસીએલની કલેકશન એજન્સી ચલાવે છે. તા. 17-8ના રોજ તેઓ કલેકશનના રૂપીયા 1 લાખ જેમાં 500ની નોટના 2 બંડલ હતા તે લઈને લીંબડી સ્ટેશન રોડ પર આવેલ એસબીઆઈમાં ભરવા ગયા હતા. જેમાં તેઓ પાસબુકની એન્ટ્રી કરાવવા લાઈનમાં ઉભા હતા ત્યારે કોઈ મહિલા નજર ચુકવી રૂપીયા 1 લાખની ઉઠાંતરી કરીને લઈ ગઈ હતી. આ સમગ્ર ઘટના બેંકના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ અંગે તા. 99ના રોજ મોડી સાંજે લીંબડી પોલીસ મથકે અજાણી મહિલા સામે ફરિયાદ નોંધાઈ છે. આરોપી મહિલાને ઝડપી લેવા વધુ તપાસ પીએસઆઈ એમ.એમ.બારૈયા ચલાવી રહ્યા છે. જયારે દસાડા તાલુકાના નાના ગોરૈયા ગામની સીમમાં સડલાના રસ્તે ગોઢીયા હનુમાનજીનું મંદિર આવેલુ છે. તા. 9-9ના રોજ સવારે મંદિરના પુજારી હરેશગીરી પ્રહલાદગીરી ગોસ્વામી મંદિરે આરતી કરવા જતા દરવાજા ખુલ્લા જોયા હતા. અને દરવાજાના નકુચા તુટેલા હતા. મંદીરમાં હનુમાન દાદાને ચડાવેલ મુગટ, છત્તર, કાનના કુંડળ અને દાનપેટી તોડી રોકડ કોઈ ચોરી કરી લઈ ગયુ હતુ. બાદમાં દર્શને આવેલા નાના ગોરૈયાના મણીલાલ પટેલને પુજારીએ આ વાત કરી હતી. જેમાં બજાણા પોલીસ મથકે તા. 9ના રોજ અજાણ્યા શખ્સ સામે ભગવાનના આભુષણો અને રૂપીયા 5 હજાર રોકડા મળી કુલ રૂપીયા 1.30 લાખની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવી છે. આ અંગે વધુ તપાસ ઈન્ચાર્જ પીઆઈ એ.કે.વાઘેલા ચલાવી રહ્યા છે. બીજી તરફ પાટડી શહેરના 4 રસ્તેથી ખારાઘોડા રોડ તરફ બાવળીયાળી સીંધાઈ માતાજીનું મંદિર આવેલુ છે. તા. 5-9ના રોજ રાતથી તા. 6ની સવાર સુધીમાં કોઈ શખ્સો મંદિરની દાનપેટી તોડી તેમાંથી રોકડા રૂપીયા 5 હજારની ચોરી કરી લઈ ગયા છે. આ અંગે પાટડીના દશામાના પરા વિસ્તારમાં રહેતા જીણાભાઈ ઝીંઝુવાડીયાએ પાટડી પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એએસઆઈ વી.કે.જાદવ ચલાવી રહ્યા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો