android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Magh Mela સત્તાવાળાની કડક કાર્યવાહી, અવિમુક્તેશ્વરાનંદને બીજી નોટિસ

calendar_todayJanuary 22, 2026

Magh Mela સત્તાવાળાની કડક કાર્યવાહી, અવિમુક્તેશ્વરાનંદને બીજી નોટિસ

માઘ મેળા ઓથોરિટી અને અવિમુક્તેશ્વરાનંદ વચ્ચેનો વિવાદપ્રયાગરાજના માઘ મેળામાં નિયમોના ઉલ્લંઘનને લઈને ફરી એકવાર વિવાદ ઉભો થયો છે. મેળા ઓથોરિટીએ સ્વામી અવિમુક્તેશ્વરાનંદને બીજી કારણદર્શક નોટિસ જારી કરીને 24 કલાકમાં જવાબ માંગ્યો છે.પ્રયાગરાજમાં યોજાતા માઘ મેળામાં સુરક્ષા અને વ્યવસ્થાની દૃષ્ટિએ કડક નિયમો લાગુ કરવામાં આવે છે. ખાસ કરીને મૌની અમાવાસ્યા જેવા મહત્વપૂર્ણ સ્નાન પર્વ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ સંગમમાં સ્નાન કરવા માટે ઉમટી પડે છે.

વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ

આવી સ્થિતિમાં કોઈ પણ પ્રકારની બેદરકારી મોટી દુર્ઘટનામાં ફેરવાઈ શકે છે. આ જ કારણસર, મેળા પ્રશાસન દ્વારા કેટલાક માર્ગો પર વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. મેળા ઓથોરિટીનો આરોપ છે કે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને તેમના શિષ્યો દ્વારા આ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. 18 જાન્યુઆરીના રોજ, પાલકી રથયાત્રા સાથે તેઓ સંગમ તરફ જઈ રહ્યા હતા ત્યારે પ્રતિબંધિત પીપા નંબર-ટુ વિસ્તારમાં અવરોધ તોડી વાહનો સાથે પ્રવેશ કર્યો હતો.

 માર્ગ પર ફક્ત પદયાત્રીઓને જ મંજૂરી

આ માર્ગ પર ફક્ત પદયાત્રીઓને જ મંજૂરી હતી, છતાં પરવાનગી વિના વાહનો લઈ જવામાં આવ્યા હોવાનો આરોપ છે. પ્રશાસનનું કહેવું છે કે મૌની અમાવાસ્યાના દિવસે ભીડ ખૂબ જ સંવેદનશીલ હોય છે. આવી સ્થિતિમાં વાહનોના પ્રવેશથી ભીડ વ્યવસ્થાપનમાં અડચણ આવે છે અને નાસભાગ જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટનાના કારણે માઘ મેળાની વ્યવસ્થા ખોરવાઈ અને સુરક્ષા દળોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.આ ઉપરાંત, નોટિસમાં એક વધુ ગંભીર મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશો

મેળા ઓથોરિટીના કહેવા મુજબ, માનનીય સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશો હોવા છતાં, સ્વામી અવિમુક્તેશ્વરાનંદ દ્વારા પોતાને શંકરાચાર્ય તરીકે દર્શાવતા બોર્ડ અને હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. આ બાબતને સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું સીધું ઉલ્લંઘન ગણાવવામાં આવ્યું છે. મેળા પ્રશાસને પોતાની નોટિસમાં સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો 24 કલાકની અંદર સંતોષકારક જવાબ નહીં મળે, તો શ્રી શંકરાચાર્ય આશ્રમ અને બદ્રીનાથ હિમાલય સેવા શિબિરની તમામ સુવિધાઓ અને જમીન ફાળવણી રદ કરી શકાય છે.

 કાયમી પ્રતિબંધ મૂકવાની કાર્યવાહી

એટલું જ નહીં, ભવિષ્યમાં માઘ મેળામાં પ્રવેશ પર કાયમી પ્રતિબંધ મૂકવાની કાર્યવાહી પણ થઈ શકે છે.બીજી તરફ, સ્વામી અવિમુક્તેશ્વરાનંદના મીડિયા ઇન્ચાર્જએ આ સમગ્ર ઘટનાને બદલો લેવાની કાર્યવાહી ગણાવી છે. તેમનું કહેવું છે કે ઓથોરિટીએ તેમને અગાઉથી જાણ કર્યા વિના કેમ્પની પાછળની દિવાલ પર જૂની તારીખની નોટિસ લગાવી દીધી હતી.

નોટિસનો જવાબ તૈયાર કરવામાં આવ્યું

અધિકારીઓ દ્વારા જાણ કરવામાં આવ્યા બાદ હવે નોટિસનો જવાબ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને ટૂંક સમયમાં મોકલવામાં આવશે.આ સમગ્ર મામલો હવે ચર્ચાનો વિષય બની ગયો છે. એક તરફ પ્રશાસન ભીડ અને સુરક્ષાની ચિંતા વ્યક્ત કરી રહ્યું છે, જ્યારે બીજી તરફ અવિમુક્તેશ્વરાનંદના સમર્થકો તેને ધાર્મિક નેતૃત્વને નિશાન બનાવવાની કાર્યવાહી ગણાવી રહ્યા છે. આવનારા સમયમાં આ મુદ્દે પ્રશાસન શું પગલું ભરે છે અને જવાબ બાદ શું નિર્ણય લેવાય છે, તે જોવાનું રહેશે.

આ પણ વાંચો : BMC મેયર: મુંબઈને મહિલા મેયર મળશે, કલ્યાણ-ડોંબિવલીમાં ભાજપનો દાવો નબળો પડ્યો