calendar_todayJanuary 26, 2026
Maharashtra : પોલ્ટ્રી ફાર્મની આડમાં ચાલી રહેલી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ, 55 કરોડનું મેફેડ્રોન જપ્ત
મહારાષ્ટ્રના સહ્યાદ્રી રેન્જમાં DRIએ ડ્રગ્સ માફિયાની વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરતા મોબાઈલ મેફેડ્રોન લેબનો પર્દાફાશ કર્યો છે. આ લેબ સતારા જિલ્લાના એક દુર્ગમ પહાડી વિસ્તારમાં પોલ્ટ્રી ફાર્મની આડમાં ચલાવવામાં આવી રહી હતી. DRIએ આ કાર્યવાહીને 'ઓપરેશન સહ્યાદ્રી ચેકમેટ' નામ આપ્યું છે.
શું હતો ઓપરેશનનો ઉદ્દેશ્ય?
DRI મુજબ ગુપ્ત જાણકારીના આધરે શરૂ કરેલા આ ઓપરેશનનો ઉદ્દેશ્ય સહ્યાદ્રી રેન્જમાં છુપાયેલા ડ્રગ્સ લેબ અને ફેક્ટરીઓની ઓળખ કરીને ખતમ કરવાનો હતો. આ કડીમાં 24 જાન્યુઆરીએ એક કાર્યવાહી દરમિયાન તેને અસ્થાયી પણ પુરી રીતે ચાલુ મેફેડ્રોન મેન્યુફેક્ચરિંગ યૂનિટની ઓળખ લગાવવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું કે આ ગેરકાયદેસર લેબને વારંવાર જગ્યા બદલી શકાય તે રીતે ડિઝાઈન કરવામાં આવ્યું હતું, જેથી એજન્સીઓની પકડથી બચી શકાય. પોલ્ટ્રી ફાર્મની આડમાં ચાલી રહેલા આ યુનિટની ઓળખ થઈ, જ્યાં મેફેડ્રોન બનાવવા માટે જરૂરી ઉપકરણ અને કેમિકલ હાજર હતા.
ડ્રગ્સની કિંમત 55 કરોડ રૂપિયા
DRIએ સ્થળ પર કૂલ 21.912 કિલો મેફેડ્રોન જપ્ત કર્યું, જેમાં 11.848 કિલો લિક્વિડ ફોર્મમાં, 9.326 કિલો અર્ધ-લિક્વિડ ફોર્મમાં અને 738 ગ્રામ ક્રિસ્ટલીય સ્વરૂપમાં શામેલ છે. આ સિવાય 71.5 કિલો કાચોમાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. જેનાથી લગભગ 15 કિલો NDPS પદાર્થ તૈયાર કરવામાં આવી શકતો હતો, ડ્રગ્સની કિંમત 55 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આ મામલે DRIએ 3 લોકોની ધરપકડ કરી લીધી છે. જેમાં ડ્રગ મેન્યુફેક્ચરિંગમાં સામેલ કુક, ફાયનાન્સર-કન્સાઈનર અને પોલ્ટ્રી ફાર્મનો માલિક સામેલ છે. તૈયાર NDPS પદાર્થની પ્રથમ બેચ પોલ્ટ્રી ફાર્મના માલિકના ઘરમાં છુપાડીને રાખવામાં આવી હતી. ફોલો-અપ કાર્યવાહી હેઠળ DRIએ ગાઢ જંગલમાં એક જુના ઓક્ટ્રોઈ ટોલ નાકાની પાસે નજર રાખી હતી.
ડ્રગ્સ તસ્કરી નેટવર્કની વિરૂદ્ધ મોટી સફળતા
અહીંથી માલ લેવા પહોંચેલા વધુ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ધરપકડ કરેલા આરોપીઓમાંથી 4 લોકો પહેલા પણ NDPS એક્ટ કે MCOCA જેવા ગંભીર કાયદાઓ હેઠળ ગુનાઓમાં સામેલ રહી ચૂક્યા છે. આ ઓપરેશન સંગઠિત ડ્રગ્સ તસ્કરી નેટવર્કની વિરૂદ્ધ મોટી સફળતા છે, જે કાયદો વ્યવસ્થા માટે ગંભીર જોખમ હતું.
આ પણ વાંચો : Rajasthan : નાગૌરમાં ગેરકાયદેસર વિસ્ફોટક સામગ્રીનો કેસ, NIA અને ગૃહ મંત્રાલયની સ્પેશિયલ ટીમે કરી તપાસ