calendar_todaySeptember 4, 2026
Maharashtra ની હોસ્પિટલ NICUમાં લાગી ભીષણ આગ, 9 નવજાત બાળકો હતા દાખલ,VIDEO
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર ખાતે આવેલી એશિયન હોસ્પિટલમાં શુક્રવારે વહેલી સવારે આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી અને ચિંતાનો માહોલ સર્જાયો હતો.NICUમાં આગ લાગતા અફરા તફરી મચી હતી. ત્યાંની નર્સ અને સ્ટાફે બાળકો અને દર્દીઓના જીવ બચાવ્યા.
હોસ્પિટલમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ અને દર્દીઓની સ્થિતિ
મળતી માહિતી પ્રમાણે આકાશવાણી ચોક પાસે સ્થિત આ હોસ્પિટલના પહેલા માળે રાત્રિના 2.10 કલાકે અચાનક આગ લાગી હતી. પ્રાથમિક તપાસ અને માહિતી અનુસાર, હોસ્પિટલના નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (NICU) માં આવેલા એસી (AC) માં શોર્ટ સર્કિટ થવાના કારણે આ ભીષણ આગ પ્રજ્વલિત થઈ હતી. જે સમયે આ દુર્ઘટના ઘટી ત્યારે હોસ્પિટલના પ્રથમ માળે કુલ 58 દર્દીઓ સારવાર હેઠળ દાખલ હતા, જેમાં 9 નવજાત શિશુઓ, 36 જનરલ વોર્ડના દર્દીઓ અને 13 સ્પેશિયલ રૂમના દર્દીઓનો સમાવેશ થતો હતો.
મેડિકલ સ્ટાફ અને ફાયર વિભાગની ત્વરિત બચાવ કામગીરી
આગ લાગ્યાની જાણ થતાં જ હોસ્પિટલના મેડિકલ સ્ટાફે જરાય સમય બગાડ્યા વિના તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. આ સાથે જ જવાહરનગર પોલીસ, આરસીપી જવાન અને ફાયર વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ફાયરની બે ગાડીઓ પણ રવાના કરવામાં આવી હતી. જોકે, રાહતની વાત એ રહી કે હોસ્પિટલની પોતાની ફાયર સેફ્ટી સિસ્ટમ અને ત્યાંના કર્મચારીઓની સુઝબુઝ તેમજ તત્પરતાના કારણે ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલા જ આગ પર મહદઅંશે કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
9 નવજાત બાળકોને સુરક્ષિત અન્ય હોસ્પિટલોમાં ખસેડાયા
હોસ્પિટલ પ્રશાસન અને સ્ટાફની સતર્કતાને કારણે પહેલા માળે દાખલ તમામ ૫૮ દર્દીઓને સમયસર અને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ખાસ કરીને NICU માં દાખલ ૯ નવજાત બાળકોને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા અન્ય સુરક્ષિત હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં ૫ બાળકોને ઘાટી હોસ્પિટલ, ૩ બાળકોને એમજીએમ હોસ્પિટલ અને એક બાળકને સંજીવની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સ્ટાફની તાલીમથી મોટી હોનારત ટળી, સેવાઓ ફરી શરૂ
હોસ્પિટલના મેનેજિંગ ડાયરેક્ટર શોએબ હાશ્મીએ જણાવ્યું હતું કે તેમના કર્મચારીઓને અગાઉથી જ ફાયર સેફ્ટીની વ્યાવસાયિક તાલીમ આપવામાં આવી હતી, જેના પરિણામે તેઓએ કટોકટીના સમયે યોગ્ય નિર્ણય લઈને તાત્કાલિક કાર્યવાહી કરી શકી હતી. જો સમયસર આગ પર કાબૂ ન મેળવ્યો હોત તો પરિસ્થિતિ અત્યંત ગંભીર બની શકતી હતી. હાલમાં હોસ્પિટલ પ્રશાસન દ્વારા આગ સંબંધિત એનઓસી (NOC) ના દસ્તાવેજો મહાનગરપાલિકાને મોકલવામાં આવી રહ્યા છે અને સુરક્ષાના ભાગરૂપે હોસ્પિટલની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સદનસીબે આ ભયાનક દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને હોસ્પિટલની સેવાઓ ફરી પૂર્વવત શરૂ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ OpenAI એ લોન્ચ કર્યું GPT-6 Astra, મનુષ્યની સમકક્ષ વિચારી શકે છે નવું AI મોડેલ