android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Mahesana News: કડીમાં SPGની મહત્વની બેઠક, લાલજી પટેલે યુવાનો અને શિક્ષણ મુદ્દે આપ્યું મોટું નિવેદન

calendar_todayFebruary 14, 2026

Mahesana News: કડીમાં SPGની મહત્વની બેઠક, લાલજી પટેલે યુવાનો અને શિક્ષણ મુદ્દે આપ્યું મોટું નિવેદન

મહેસાણા જિલ્લાના કડી શહેરના ભાવપુરા વિસ્તારમાં આવેલા પવિત્ર ઉમિયા માતાજી મંદિર ખાતે તાજેતરમાં સરદાર પટેલ ગ્રુપ (SPG)ની એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં SPGના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક દરમિયાન તેમણે પાટીદાર સમાજની વર્તમાન સ્થિતિ અને યુવા પેઢીના ભવિષ્યને લઈને અનેક મહત્વના નિવેદનો કર્યા હતા, જે હાલ ચર્ચાનો વિષય બન્યા છે.

યુવાનોમાં વધતા વ્યસન અને દેખાદેખી પર ચિંતા

લાલજી પટેલે સમાજના યુવાનોમાં વધી રહેલા વ્યસન અને ખોટી દેખાદેખીના ટ્રેન્ડ સામે લાલબત્તી ધરી હતી. તેમણે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, આજનો યુવાન ફિલ્મોની નકલ કરીને 'ગેંગસ્ટર' બનવાના ખોટા રવાડે ચઢ્યો છે. આ કલ્ચર સમાજ અને પરિવાર બંને માટે ઘાતક છે. તેમણે યુવાનોને હથિયારો કે ખોટા શોખ છોડી શિક્ષણ અને કારકિર્દી પર ધ્યાન આપવા અપીલ કરી હતી.

શિક્ષણ અને ટેકનોલોજી પર ભાર

સમાજના વિકાસ માટે લાલજી પટેલે મોટી જાહેરાત કરતા જણાવ્યું કે, કડીમાં SPG દ્વારા એક અત્યાધુનિક લાઈબ્રેરીનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત, સમાજના લોકોને મદદરૂપ થવા માટે ટૂંક સમયમાં એક સ્પેશિયલ 'AI એપ્લિકેશન' પણ લોન્ચ કરવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, મંદિરોના પાટોત્સવમાં લાખોના ખર્ચ કરવાને બદલે તે પૈસા શિક્ષણ અને રમતગમતના પ્રોત્સાહન પાછળ ખર્ચવા જોઈએ.

સામાજિક સુરક્ષા અને આગામી રણનીતિ

દીકરીઓને ભગાડી જવાની વધતી ઘટનાઓ સામે કડક કાયદો બનાવવાની માગ સાથે તેમણે જણાવ્યું કે, લગ્ન નોંધણી કૌભાંડમાં SPGના સ્ટિંગ ઓપરેશનને કારણે ભ્રષ્ટ તલાટી આજે જેલના સળિયા પાછળ છે. સમાજના પડતર પ્રશ્નો અને આક્રોશને વાચા આપવા માટે ટૂંક સમયમાં જ પાટીદાર સમાજનું એક વિશાળ 'મહાસંમેલન' બોલાવવાની પણ તેમણે જાહેરાત કરી છે.


આ પણ વાંચો - Mahesana News: કડીમાં માલગુરુ મંદિર પાસે લાગી આગ, અફરાતફરીનો માહોલ