calendar_todayJanuary 1, 2026
Mahuva News: બગદાણા નવનીતભાઈ હુમલા કેસમાં મોટી કાર્યવાહી, મહિલા PIની બદલી
બગદાણામાં નવનીતભાઈ નામના યુવાન પર થયેલા ક્રૂર હુમલાના કેસમાં પોલીસ વિભાગ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. આ કેસમાં સ્થાનિક પોલીસની કામગીરી સામે કોળી સમાજમાં ભારે રોષ જોવા મળ્યા બાદ, બનાવની ગંભીરતાને ધ્યાને લઈને બગદાણાના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ડી.વી. ડાંગરની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી છે. નવનીતભાઈને 8 જેટલા અજાણ્યા શખ્સો દ્વારા બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
બનાવની ગંભીરતા ધ્યાનમાં લેતા કેસમાં 307ની કલમનો ઉમેરો
આ બનાવમાં પોલીસની ભૂમિકા પર આક્ષેપો થતા હવે તપાસનો દોર મહુવા PI કે. એસ. પટેલને સોંપવામાં આવ્યો છે. આ હિંસક હુમલાની ગંભીરતાને જોતા પોલીસે ગુનામાં હત્યાની કોશિશની કલમ (IPC 307) નો ઉમેરો કર્યો છે, જે અગાઉ સામાન્ય ઇજાની કલમો હેઠળ હતો. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 8 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાંથી 4 મુખ્ય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા તેમના 3 જાન્યુઆરી સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય 4 આરોપીઓને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે.
અન્ય 4 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા
કોળી સમાજની ઉગ્ર માંગ અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા પુરાવાઓને આધારે લેવામાં આવેલા આ પગલાંથી પીડિત પરિવારને ન્યાય મળવાની આશા બંધાઈ છે. હાલ મહુવા પોલીસ આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે જેથી હુમલા પાછળનું મુખ્ય કારણ સ્પષ્ટ થઈ શકે.