calendar_todayJanuary 14, 2026
Makar Sankranti 2026: અમદાવાદમાં બપોરે પવન પડતા લોકોમાં નિરાશા, પવન વગર સૂમસામ બન્યા ધાબા, પતંગરસિકોમાં ગણગણાટ
અમદાવાદમાં ઉત્તરાયણની સવાર પતંગબાજી માટે ખૂબ જ સાનુકૂળ રહી હતી, પરંતુ બપોર થતાની સાથે જ પવનની ગતિ એકાએક ધીમી પડતા પતંગરસિકોમાં નિરાશા જોવા મળી રહી છે. વહેલી સવારથી જ 'કાપ્યો છે' ના અવાજથી ગુંજી ઉઠેલા ધાબાઓ પર બપોરના સમયે સન્નાટો છવાઈ ગયો છે. પવન સાવ ઓછો થઈ જવાથી આકાશમાં ઉડતા પતંગો જમીનદોસ્ત થવા લાગ્યા છે. અનેક પતંગબાજો પતંગને આકાશમાં ટકાવી રાખવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે, પરંતુ પવનના અભાવે પેચ લડાવવાની મજા બગડી છે.
અમદાવાદીઓ પવનની પ્રતીક્ષામાં
પતંગરસિકોના જણાવ્યા મુજબ, સવારે પવનની લહેરખીઓ પતંગ ચગાવવા માટે ઉત્તમ હતી, પરંતુ બપોરે પવન સાવ પડી જવાથી આકાશ ખાલીખમ ભાસી રહ્યું છે. જોકે, હજુ પણ પતંગબાજો હિંમત હાર્યા નથી અને સાંજે પવનની ગતિ ફરી વધશે તેવી આશા સેવી રહ્યા છે. મોટાભાગના લોકો હવે સાંજની 'ઢીલ' અને રોશનીવાળા ફાનસ (ટુકલ) ચગાવવા માટે પવનની પ્રતીક્ષા કરી રહ્યા છે. ટેરેસ પર મ્યુઝિક સિસ્ટમ અને ઊંધિયાની મોજ તો ચાલુ છે, પણ પતંગબાજોની નજર હવે માત્ર આકાશમાં પવનના પુનરાગમન પર ટકેલી છે.
આ પણ વાંચો : Rajkot News : ઉપલેટામાં અસામાજિક તત્વોનો આતંક, ઉત્તરાયણની મજા વચ્ચે ગામમાં તોડફોડ કરી મચાવ્યો હોબાળો