calendar_todayAugust 27, 2026
Mandal: ચબુતરા ચોકમાં સ્થિતિ નર્કાગારની
માંડલ નગરના ચબૂતરા ચોક ખાતે આવેલ જર્જરિત આંગણવાડી મકાનની બાજુમાં અસહ્ય ગંદકીએ ભરડો લીધો છે અને ગામના પોશ એરિયામાં જાણે ડમ્પીંગ સ્ટેશન જેવી હાલત ઉભી થઈ ગઈ છે. આંગણવાડીની પાસે કચરો અને ગંદકીના ઢગલાંઓ જોવા મળતાં સ્થાનિક વેપારીઓ,દુકાનદારો અને ખરીદી કરવા આવતાં લોકો પરેશાનીનો સામનો કરી રહ્યાં છે, ચબુતરા ચોક એ માંડલનું મહત્વનું વ્યાપારી સ્થળ છે. આ વિસ્તારમાં ખરીદીનું માર્કેટ ઉપરાંત બેંક અને દુકાનો આવેલી છે, આ કચરાના ઢગલાની આસપાસમાં નાનામોટા કેબીનો પણ આવેલાં છે અને લોકો રોજગારી મેળવે છે. આ વિસ્તાર દિવસભર વ્યસ્ત રહે છે, સ્થાનિક દુકાનદારોનું પણ કહેવું છે કે, ગંદકીના કારણે વેપારીઓ અને ગ્રાહકોને પણ અસુવિધા ઉભી થાય છે અને આ વિસ્તારમાં અસ્વચ્છતાનું વાતાવરણ ઉભું થયું છે. આંગણવાડીની આસપાસ દોઢ બે વર્ષ પહેલાં ગ્રામ પંચાયત દ્વારા પેવરબ્લોક નાખવામાં આવેલ છે તેમ છતાં અહીં સ્થિતિ નર્કાગારની જોવા મળે છે. આસપાસનો વિસ્તાર રહેણાંક વિસ્તાર પણ છે, બેંક હોવાથી દિવસભર અરજદારો,ગ્રાહકો આવતાં જતાં હોય, આસપાસમાં દુકાનો હોવાથી ગ્રાહકો પણ ખરીદી, કોઈ કામ અર્થે આવતાં હોય ત્યારે રોગચાળાનો ભય જોવા મળી રહ્યો છે, ગંદકી અને કચરાના ઢગમાં પશુઓ પણ ખોરાકની શોધ કરતાં હોય છે, પશુઓમાં પણ બિમારી ઉભી થાય તેવી શક્યતાઓ રહેલી છે ત્યારે આ ગંદકી વાળો વિસ્તાર સફાઈ કરાવી આસપાસમાં દિવાલો ઉભી કરી આ જગ્યાનો કોઈ સારો ઉપયોગ કરાય તેવી લોકમાંગ ઉઠી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો