android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Meerut: 'બ્લુ ડ્રમ' કાંડમાં નવો વળાંક, ફાંસીની સજા વિરુદ્ધ હાઈકોર્ટમાં પહોંચ્યા મુસ્કાન અને સાહિલ

calendar_todayOctober 24, 2026

Meerut: 'બ્લુ ડ્રમ' કાંડમાં નવો વળાંક, ફાંસીની સજા વિરુદ્ધ હાઈકોર્ટમાં પહોંચ્યા મુસ્કાન અને સાહિલ

ઉત્તર પ્રદેશના મેરઠમાં સૌરભ રાજપૂત હત્યા કેસના દોષિતોએ જિલ્લા અદાલત દ્વારા આપવામાં આવેલી ફાંસીની સજાને પડકારવા માટે અલાહાબાદ હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. કુખ્યાત 'બ્લુ ડ્રમ' (વાદળી ડ્રમ) કેસના મુખ્ય બે દોષિતો મુસ્કાન રસ્તોગી અને સાહિલ શુક્લાએ અલાહાબાદ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી છે. તેઓએ ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલી સજા (દોષિત ઠેરવવાના નિર્ણય) અને ફાંસીની સજા બંનેને પડકાર્યા છે. અલાહાબાદ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ આવતા અઠવાડિયે આ મામલાની સુનાવણી કરે તેવી શક્યતા છે. મેરઠની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે 14 ઓક્ટોબરના રોજ આ ચર્ચિત કેસમાં બંને વ્યક્તિઓને ફાંસીની સજા સંભળાવી હતી. પોતાના વકીલો મારફતે, દોષિતોએ અલાહાબાદ હાઈકોર્ટને વિનંતી કરી છે કે તેઓ તેમની અપીલ સ્વીકારે અને 30 સપ્ટેમ્બરના રોજ અપાયેલો દોષિત ઠેરવવાનો નિર્ણય તથા 14 ઓક્ટોબરના રોજ અપાયેલી ફાંસીની સજા બંનેની રદ કરે.


ઉલ્લેખનીય છે કે આ કેસની શરૂઆત મેરઠના બ્રહ્મપુરી પોલીસ સ્ટેશન વિસ્તારથી થઈ હતી. સૌરભ રાજપૂતની ક્રૂર હત્યા કર્યા બાદ તેના મૃતદેહને એક વાદળી પ્લાસ્ટિકના ડ્રમમાં મૂકવામાં આવ્યો હતો અને પુરાવા છુપાવવા માટે તેમાં સિમેન્ટ તથા કોંક્રિટ ભરી દેવામાં આવ્યું હતું. આ સનસનાટીભરી હત્યાના ખુલાસાથી સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો. ત્યારબાદ પોલીસે આ ગુનાના સંબંધમાં સાહિલ શુક્લા અને મુસ્કાન રસ્તોગીની ધરપકડ કરી હતી.


અદાલત દ્વારા ફાંસીની સજા

મેરઠમાં સેશન્સ ટ્રાયલ દરમિયાન, અદાલતે બંને આરોપીઓને હત્યા કરવા અને પુરાવા નષ્ટ કરવા બદલ દોષિત ઠેરવ્યા હતા. 30 સપ્ટેમ્બર, 2026ના રોજ અદાલતે બંનેને દોષિત જાહેર કર્યા હતા અને 14 ઓક્ટોબર, 2026ના રોજ સજા સંભળાવી હતી. અદાલતે આ ગુનાને "રેરેસ્ટ ઓફ રેર" (અતિ દુર્લભમાં દુર્લભ) શ્રેણીમાં ગણાવીને બંનેને ફાંસીની સજા ફટકારી હતી, સાથે જ દરેક પર ₹50000 નો દંડ પણ ફટકાર્યો હતો. આ ઉપરાંત, તેમને પુરાવા નષ્ટ કરવા બદલ પણ સજા સંભળાવવામાં આવી હતી.


હાઈકોર્ટમાં પડકાર

ટ્રાયલ કોર્ટના ચુકાદાને સંપૂર્ણપણે ગેરકાયદેસર અને મનસ્વી ગણાવતા, બંને દોષિતોએ જેઓ હાલ કસ્ટડીમાં છે. પોતાના વકીલો મારફતે હાઈકોર્ટમાં સંયુક્ત અપીલ દાખલ કરી છે. અલ્હાબાદ હાઈકોર્ટમાં બે દોષિતો વતી વરિષ્ઠ વકીલો સુશીલ શુક્લા, નિધિ ત્રિવેદી, રવિતેન્દ્ર પ્રતાપ સિંહ ચંદેલ અને સંદીપ કુમાર દુબે પક્ષ રજૂ કરશે. દાખલ કરવામાં આવેલી અપીલમાં, દોષિતોએ હાઈકોર્ટને વિનંતી કરી છે કે તેઓ આ અપીલ સ્વીકારે અને મેરઠની અદાલત દ્વારા આપવામાં આવેલા આદેશને રદ કરે. વધુમાં, આ અરજીમાં ખાસ કરીને માંગ કરવામાં આવી છે કે બંને અપીલકર્તાઓને 'ભારતીય ન્યાય સંહિતા'ની કલમ 103(1) (કલમ 3(5) સાથે વાંચતા) અને કલમ 238(a) હેઠળ તેમના પર મૂકવામાં આવેલા તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવે.


અપીલના કાનૂની આધારમાં એવી દલીલ કરવામાં આવી છે કે, ફરિયાદી પક્ષ (પ્રોસિક્યુશન) પોતાનો કેસ 'વાજબી શંકાથી પર' (beyond a reasonable doubt) સાબિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે. અપીલમાં જણાવાયું છે કે સમગ્ર કેસ માત્ર સંજોગોજન્ય પુરાવાઓ (circumstantial evidence) પર આધારિત હતો; તેમ છતાં, ટ્રાયલ કોર્ટે સ્થાપિત કાનૂની સિદ્ધાંતોને અવગણીને, માત્ર અટકળો અને અનુમાનોના આધારે દોષિત ઠેરવવાનો નિર્ણય લીધો. વધુમાં, અરજીમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે સાક્ષીઓએ હથિયારો, સિમેન્ટ અને ડ્રમ ખરીદ્યા હોવાની જુબાની આપી હતી, તેમના નિવેદનોમાં નોંધપાત્ર વિરોધાભાસ છે. તેમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે, કોઈ સીસીટીવી ફૂટેજ રજૂ કરવામાં આવ્યા નથી, કે પછી આ ખરીદી અંગેની કોઈ માન્ય રસીદો પણ રજૂ કરવામાં આવી નથી.


મુસ્કાન અને સાહિલ વતી 168 પાનાની અપીલ દાખલ કરવામાં આવી છે. વરિષ્ઠ વકીલ સુશીલ શુક્લા અપીલકર્તાઓનો પક્ષ રજૂ કરવા સંમત થયા છે, અને આ અપીલ વકીલો સંદીપ કુમાર દુબે, રવિતેન્દ્ર પ્રતાપ સિંહ ચંદેલ અને નિધિ ત્રિવેદી દ્વારા દાખલ કરવામાં આવી છે. મેરઠના આ ચકચારી હત્યા કેસમાં મૃત્યુદંડની સજા પામ્યા બાદ, હવે આ બંને દોષિતો હાઈકોર્ટની કાર્યવાહીની રાહ જોઈ રહ્યા છે.


મેરઠના હાઈ-પ્રોફાઈલ 'સાપ કેસ'માં જેમાં અમિત કશ્યપની હત્યા કરવામાં આવી હતી. રવિતા અને અમરદીપ, જેમને પણ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે, તેઓ હવે અલ્હાબાદ હાઈકોર્ટમાં પોતાની સજાને પડકારવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ ટૂંક સમયમાં જ હાઈકોર્ટમાં પોતાની અપીલ દાખલ કરે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો: Tibet ની ધરા ધ્રુજી, 5.4ની તીવ્રતાની ભૂકંપના આંચકા અનુભવાયા