calendar_todayOctober 27, 2026
Meghraj :વડથલી ગામની સીમમાંથી રૂ. 1.12 લાખનો દારૂ લઈ જતી 4 બાઈક ઝબ્બે
મેઘરજ તાલુકાના ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારના વડથલી ગામની સીમમાંથી અરવલ્લી જિલ્લા LCBપોલીસે ગત રાત્રીના સમયે રાજસ્થાન તરફથી દારૂની 419 નંગ બોટલ ભરીને આવતી 4 બાઈકો ઝડપી લીધી હતી.પોલીસે ઝડપેલી બાઈકોમાં બે બાઈક તો નંબર વગરની હતી. પોલીસે પાંચ ઈસમોની ઘરપકડ કરી છે જયારે બે ઈસમોને વૉન્ટેડ જાહેર કરાયા છે. આ ઘટનાની ઈસરી પોલીસમાં નોંધાયેલ હકીકત એવી છે કે, ગત સોમવારે અરવલ્લી જિલ્લાની LCB પોલીસનાPIએમ.એચ.ઝાલાની અધ્યક્ષતા હેઠળ એલ.સી.બી.પોલીસની ટીમ મેઘરજ તાલુકાના ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડાઓમાં પેટ્રોલીંગમાં હતી. દરમિયાન પોલીસને બાતમી મળેલ કે, રાજસ્થાન તરફથી 4 બાઈકો દારૂ ભરીને વડથલીથી હનુમાન કંપા તરફના રસ્તે આવી રહી છે. બાતમી મળતાં LCB પોલીસ સક્રિય બની ગઈ હતી અને વડથલી ગામની સીમમાં વૉચ ગોઠવી દીધી હતી. પોલીસ વૉચમાં હતી તે સમયે બાતમી વાળી 4 બાઈકો આવતાં પોલીસે તે ઉભી રાખી હતી. પોલીસને જોતા બાઈકસવારો ભાગવા પ્રયત્ન કરી રહ્યા હતા પણ પોલીસે ઘેરી લઈ 5 ઈસમોને ઝડપી લીધા હતા. પોલીસે બાઈકો ઉપર મુકેલા કોથળા તપાસતાં તેમાં દારૂની બોટલ જણાઈ આવી હતી. પોલીસે આ બોટલ ગણતાં 419 નંગ બોટલ હતી જેની કિંમત રૂ.1,12,350 થાય છે. પોલીસે બાઈકો તથા દારૂ કબજે લઈ પકડાયેલ 5 ઈસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જયારે બે ઈસમો વૉન્ટેડ બતાવ્યા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો