android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Meghraj: મેઘરજ તાલુકાના ઉત્પલ પટેલ સામે ઇન્વેસ્ટમેન્ટના નામે 400 કરોડના કૌભાંડના આક્ષેપથી સનસનાટી

calendar_todayMay 8, 2026

Meghraj: મેઘરજ તાલુકાના ઉત્પલ પટેલ સામે ઇન્વેસ્ટમેન્ટના નામે 400 કરોડના કૌભાંડના આક્ષેપથી સનસનાટી

લોભિયાઓ હોય ત્યાં ધૂતારાઓ કદી ભૂખે મરતા હોતા નથી...આ ઉક્તિ વારંવાર સાચી સાબિત થઇ છે. લાલચની વધુ એક લોભામણી સ્કીમનો શિકાર ગુજરાત સહિત પાંચ રાજ્યોના લોકો બન્યા છે. જો કે સૌથી મોટી વાત એ છે કે, લગભગ રૂ.400 કરોડના કથિત કૌભાંડનો જેની સામે આક્ષેપ થયો છે તે વ્યક્તિ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાનો વતની હોવાનો ધડાકો થયો છે. બીજી તરફ કથીત કૌભાંડીની તસવીરો સોશિયલ મિડિયમાં વાઈરલ થતા ચકચાર મચી છે.

ગાંધીનગર ગિફ્ટ સીટીમાં કથિત કૌભાંડીની ઓફિસ આગળ એકઠા થયેલા ગુજરાત બહારના રાજ્યોમાંથી આવેલા રોકાણકારોએ કરેલા આક્ષેપો પ્રમાણે મૂળ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઇસરી ગામના વતની એવા ઉત્પલ પટેલે તેમની સાથે રોકાણના નામે કરોડો રૂપિયાની ઠગાઇ આચરી છે. તેણે કથિત રીતે ડેટા સેન્ટર બનાવી ટેરા બાઇટ ભાડે આપવાના નામે મોટી રકમનું વળતર મળશે તેવી લાલચ આપી હતી. આ પ્રમાણે 1 ટીબી માટે રૂ.38 હજારના રોકાણ સામે રૂ.1650 ભાડું મળશે તેવા દિવાસ્વપ્નો બતાવી ઇન્વેસ્ટરો પાસેથી મોટી રકમ ખંખેરી હતી. તેણે ગાંધીનગર ગિફ્ટ સિટી, કાશ્મીરમાં ઓફિસો ખોલીને રોકાણકારોને શીશામાં ઉતાર્યા હતા તેવા આક્ષેપો થઇ રહ્યા છે. દરમિયાનમાં ભાડાની રકમ મળવાનું બંધ થતાં રોકાણકારો ગાંધીનગરસ્થિત ગિફ્ટ સિટીમાં આવેલી બિલ્ડીંગ ખાતેની તેની આલિશાન ઓફિસે પહોંચ્યા હતા. ત્યાં તેની ઓફિસે તાળાં જોઇને રોકાણકારો સલવાયા હતા. કથિત કૌભાંડમાં રાજ્ય બહારના અનેક રોકાણકારોના કરોડો રૂપિયા સલવાયા હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. દરમિયાનમાં ઉત્પલ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયાની ચર્ચાઓએ જોર પકડયું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો