calendar_todayMarch 15, 2026
Mehsana: ઉ.ગુ.માં છેલ્લાં 15 વર્ષમાં માર્ચ મહિનો સૌથી વધુ ગરમ
ઉત્તર ગુજરાતમા માર્ચ મહિનો છેલ્લા 15 વર્ષમાં સૌથી વધુ ગરમ રહ્યો છે. જોકે 2017માં અત્યાર સુધીનું સૌથી વધુ 43.4 ડિગ્રી તાપમાન પણ આ જ મહિનામાં અંકિત થયું હતું.જોકે ચાલુ સીઝનમાં પણ ગરમી તેના જુના રેકોર્ડની બરાબરી કરી રહી છે અને આગામી સપ્તાહમાં હજુ પણ તાપમાન વધવાની હવામાન નિષ્ણાંતો સંભાવના વ્યક્ત કરી રહ્યા છે.
ઉત્તર ગુજરાતમા શુક્રવારે સૌથી વધુ 42.21 ડિગ્રી તાપમાન મોડાસામા નોંધાયું હતું.તો હિંમતનગરમા 41.19 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. માર્ચ મહિનાની શરૂઆતથી જ ગરમી તેનો મિજાજ ઉત્તર ગુજરાતવાસીઓને બતાવી રહી છે. કલાઈમેટ ચેન્જના કારણે સમગ્ર વિશ્વનું વાતાવરણ બદલાયું છે.જેના પરિણામ સ્વરૂપ વાતાવરણમાં ગરમી ઉત્તરોત્તર વધી રહી છે.તેને લઇ સમગ્ર વિશ્વ પરેશાન થયું છે. ક્લાઈમેટ ચેન્જની અસર આપણા દેશ અને ગુજરાત રાજ્ય તથા ઉત્તર ગુજરાતના વાતાવરણ પર પણ પડી છે. ઉત્તર ગુજરાતમાં ઉનાળાની શરૂઆતના તબક્કે માર્ચ મહિનાથી જ ગરમીનો પારો ઉંચકાયો હતો. ગત વર્ષે પણ માર્ચ મહિનામાં પણ ગરમીએ માઝા મુકી હતી, તો માર્ચ મહિનાના પ્રારંભથી જ ગરમીએ તેનો મિજાજ બતાવ્યો છે.
છેલ્લા સપ્તાહથી તાપમાનમાં ભારે ઉછાળો આવ્યો છે. જે આગલા વર્ષોમા માર્ચ મહિનાના અંતિમ તબક્કામાં તાપમાનમાં ઉછાળો જોવા મળતો હતો. ત્યારે ચાલુ સીઝનમાં ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. જેને લઇ જિલ્લાવાસીઓ ગરમીથી ભારે તૌબા પોકારી રહ્યા છે.માર્ચ મહિનાની વાત કરીએતો 28 માર્ચ 2017ના રોજ સૌથી વધુ 43.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઉત્તર ગુજરાતમાં ગરમીની આજ ગતિ રહી તો ગરમીનો જૂનો રેકોર્ડ પણ તૂટી જશે તેવી હવામાન નિષ્ણાંતો સંભાવના વ્યક્ત કરી રહ્યા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
https://sandesh.com/maru-saher-maru-gaam