calendar_todayApril 2, 2026
Mehsana : બહુચરાજીમાં ફૂડ વિભાગનો સપાટો, મેળા પૂર્વે 16થી વધુ ખાદ્ય એકમોમાં તપાસ
ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજીમાં આગામી ચૈત્રી પૂનમના મેળાને ધ્યાનમાં રાખીને મહેસાણા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડાં ન થાય અને તેમને શુદ્ધ ખોરાક મળી રહે તે હેતુથી ફૂડ વિભાગની ટીમોએ શક્તિપીઠ વિસ્તારમાં ધામા નાખ્યા છે.
16 થી વધુ એકમો પર ફૂડ વિભાગે તપાસ કરી
ફૂડ વિભાગની ટીમોએ બહુચરાજી મંદિરની આસપાસ આવેલી 16થી વધુ નાસ્તાની લારીઓ, રેસ્ટોરન્ટ્સ અને હોટલો પર ઓચિંતી તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન ખાસ કરીને હોટલોમાં વપરાતું બળેલું તેલ , વાસી બાફેલા બટાકા, તૈયાર રાખવામાં આવેલી ગ્રેવી અને અન્ય ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવામાં આવી હતી. જે જગ્યાએ સ્વચ્છતાનો અભાવ અને અનહાઇજેનિક પરિસ્થિતિ જોવા મળી, ત્યાં ફૂડ વિભાગે કડક વલણ અપનાવીને નોટિસ ફટકારી છે.
ભેળસેળિયા તત્વોમાં ફફડાટ
અધિકારીઓના જણાવ્યા મુજબ, મેળા દરમિયાન મોટી સંખ્યામાં લોકો બહારનો નાસ્તો કે ભોજન લેતા હોય છે, ત્યારે બીમારી ન ફેલાય તે માટે આ આગોતરી કાર્યવાહી છે. કેટલીક જગ્યાએથી શંકાસ્પદ ખાદ્ય સામગ્રીના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ફૂડ વિભાગની આ કડક કાર્યવાહીથી ભેળસેળિયા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો--- Banaskantha : 2 માસૂમ બાળાઓનું ધોળા દિવસે ઇકો ગાડીમાં અપહરણ થતાં સનસનાટી, હાઈવે અને આસપાસ વિસ્તારમાં નાકાબંધી કરાઈ