android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Mehsanaથી ધાર્મિક સ્થળોએ જવું બન્યું આસાન! હરિદ્વાર માટે અઠવાડિયામાં 4 દિવસ અને દ્વારકા માટે નવી રાત્રિ ટ્રેન મળશે

calendar_todayOctober 4, 2026

Mehsanaથી ધાર્મિક સ્થળોએ જવું બન્યું આસાન! હરિદ્વાર માટે અઠવાડિયામાં 4 દિવસ અને દ્વારકા માટે નવી રાત્રિ ટ્રેન મળશે

મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના મુસાફરો અને ધાર્મિક યાત્રાળુઓ માટે અતિ મહત્વના અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલી સતત રજૂઆતોને સફળતા મળી છે અને ભારતીય રેલવે દ્વારા મહેસાણાને જોડતી અનેક નવી ટ્રેન સેવાઓ તેમજ રૂટ લંબાવવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી ઉત્તર ગુજરાતના લોકો માટે હરિદ્વાર, સોમનાથ, દ્વારકા અને મુંબઈ જેવા પ્રમુખ સ્થળોએ મુસાફરી કરવી અત્યંત સરળ બની જશે.

હરિદ્વાર, સોમનાથ અને દ્વારકા માટે નવી ટ્રેનો અને રૂટ વિસ્તરણ

નવી સુવિધાઓ હેઠળ મહેસાણાને હરિદ્વાર માટે અઠવાડિયામાં 4 દિવસ સીધી કનેક્ટિવિટી મળશે. જેમાં વેરાવળ-હરિદ્વાર ટ્રેન (નં. 14325/14326) અઠવાડિયામાં 2 દિવસ દોડશે, જ્યારે ઓખા-હરિદ્વાર એસી એક્સપ્રેસ (નં. 14327/14328) પણ મહેસાણા થઈને પસાર થશે. આ ઉપરાંત, બાંદ્રા-દિલ્હી ટ્રેન (નં. 12216)ને હરિદ્વાર સુધી લંબાવવામાં આવી છે. ઇતિહાસમાં પ્રથમ વખત મહેસાણાથી સોમનાથ માટે સીધી ટ્રેન સેવા ઉપલબ્ધ બનાવાઈ છે, સાથે જ દ્વારકા જવા માટે રાત્રિના સમયે નવી સાપ્તાહિક ટ્રેન સેવા પણ શરૂ કરવામાં આવી છે.

સાંસદ હરિભાઈ પટેલે PM મોદી અને રેલવે મંત્રીનો આભાર માન્યો

આ સીમાચિહ્નરૂપ સફળતા બાદ સાંસદ હરિભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર વ્યક્ત કર્યો હતો. સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે, "મહેસાણા અને ઉત્તર ગુજરાતની જનતાની લાંબા સમયથી રહેલી રેલવે કનેક્ટિવિટીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રજૂઆત કરવામાં આવી હતી, જેને સફળતા મળી છે. હવે સોમનાથ, દ્વારકા અને હરિદ્વાર સાથે મહેસાણાનું જોડાણ વધુ સરળ બનશે, જેથી ધાર્મિક પ્રવાસીઓ અને વેપારીઓને મોટો લાભ મળશે."

આ પણ વાંચો : Bhavnagar News : ભોજપરાની દૂધ કંપનીમાં બોગસ ફેટ રિપોર્ટનું કૌભાંડ, LCBએ 3 પોલીસ સ્ટેશનમાં ગુના નોંધી 6ની કરી અટકાયત