android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Mehsana : ACBનો સપાટો, વારસાઈ ફોર્મમાં નામ ચઢાવવા લાંચ લેતા હરસુંડલના તલાટી અને VCE ઝડપાયા

calendar_todayApril 20, 2026

Mehsana : ACBનો સપાટો, વારસાઈ ફોર્મમાં નામ ચઢાવવા લાંચ લેતા હરસુંડલના તલાટી અને VCE ઝડપાયા

એસીબી દ્વારા મહેસાણા જિલ્લામાં લાંચિયા અધિકારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. હરસુંડલ ગ્રામ પંચાયતમાં વારસાઈ જમીનમાં નામો દાખલ કરવા જેવી પાયાની કામગીરી માટે લાંચ માંગનાર તલાટી કમ મંત્રી અને વી.સી.ઈ. (VCE) ને એસીબીની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા છે. 12 હજાર રૂપિયાની માંગણી સામે 10 હજાર રૂપિયા સ્વીકારતા આ બંને કર્મચારીઓ ટ્રેપમાં આબાદ ઝડપાઈ ગયા છે.

એક ખાતાના 4 હજાર લેખે માંગી હતી લાંચ

બનાવની વિગતો મુજબ, ફરિયાદીને તેમની વારસાઈ જમીનના ત્રણ અલગ-અલગ ખાતાઓમાં નામો દાખલ કરવાના હતા. આ કામગીરી માટે હરસુંડલ પંચાયતના તલાટી વિવેક કિરીટભાઈ ચૌધરી અને VCE વિશાલકુમાર ઠાકોરે એક ખાતા દીઠ 4 હજાર રૂપિયા લેખે કુલ 12 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જોકે, રકઝકના અંતે 10 હજાર રૂપિયા આપવાનું નક્કી થયું હતું. ફરિયાદી આ રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે મહેસાણા એસીબીનો સંપર્ક કર્યો હતો.

એસીબીએ છટકું ગોઠવી બંનેને દબોચ્યા

મહેસાણા એસીબીની ટીમે મળેલી ફરિયાદના આધારે હરસુંડલ ગ્રામ પંચાયત કચેરી ખાતે છટકું ગોઠવ્યું હતું. તલાટી વિવેક ચૌધરીના કહેવાથી જ્યારે VCE વિશાલકુમારે ફરિયાદી પાસેથી 10 હજાર રૂપિયા સ્વીકાર્યા, ત્યારે જ એસીબીની ટીમે ત્રાટકીને બંનેને રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા. એસીબીએ તલાટી કમ મંત્રી (વર્ગ-૩) અને VCE વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીથી મહેસાણાના પંચાયત આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

આ પણ વાંચો---  Mehsanaમાં ફિલ્મી ઢબે લૂંટ, પુત્રને વિદેશ મોકલવા રાખેલા 64 લાખ પિસ્તોલની અણીએ લૂંટાયા, એજન્ટના માણસો જ નીકળ્યા લૂંટારા