calendar_todayJanuary 16, 2026
Mehsana News: 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજારનાર નરાધમને 30 વર્ષની સખત કેદ
મહેસાણા જિલ્લાના આંબલિયાસણ વિસ્તારમાં ત્રણ વર્ષ પહેલાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનામાં મહેસાણાની કોર્ટે આરોપીને સખત સજા ફટકારી છે. 14 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈ તેના પર દુષ્કર્મ આચરનાર આરોપી સત્યનારાયણ ગોસ્વામીને કોર્ટે 30 વર્ષની જેલની સજાનો હુકમ કર્યો છે.
14 વર્ષની સગીરા પર દુષ્કર્મ કર્યું હતું
આ કેસની ચોંકાવનારી વિગત એ છે કે આરોપી સત્યનારાયણ ગોસ્વામી પોતે પરિણીત છે અને તેને 15 વર્ષની એક દીકરી પણ છે. પોતાની દીકરીની ઉંમરની સગીરા પર હીન કૃત્ય આચરતા તેણે માનવતાની તમામ હદો વટાવી દીધી હતી. આરોપી સગીરાને પટાવી-ફોસલાવીને લગ્નના બહાને ભગાડી ગયો હતો અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
પીડિતાને 1 લાખનું વળતર ચૂકવવા આદેશ
સરકારી વકીલ પરેશકુમાર દવેની ધારદાર દલીલો અને રજૂ કરવામાં આવેલા પુરાવાઓને ગ્રાહ્ય રાખીને કોર્ટે અવલોકન કર્યું હતું કે: કોર્ટે આ ગુનાની ગંભીરતાને જોતા તેને 'રેરેસ્ટ ઓફ રેર' શ્રેણીમાં ગણાવ્યો હતો. આરોપીને 30 વર્ષની કડક કેદની સજા ફટકારવામાં આવી છે. સજાની સાથે જ કોર્ટે પીડિત સગીરાને માનસિક અને શારીરિક આઘાતમાંથી બહાર આવવા માટે રૂ.1 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. આ ચુકાદાથી સમાજમાં એવો કડક સંદેશ ગયો છે કે સગીરાઓ સામેના ગુનામાં કાયદો કોઈ પણ પ્રકારની નરમાશ દાખવશે નહીં.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો