calendar_todayJuly 9, 2026
Mehsana News: ખેતી બેંકની સાધારણ સભા પહેલા હોબાળો, સવાલ પૂછનારા 3 ખેડૂત પ્રતિનિધિઓની અટકાયત
મહેસાણા જિલ્લા ખેતી બેંકની 74મી વાર્ષિક સાધારણ સભા શરૂ થાય તે પહેલાં જ ભારે હોબાળો મચી ગયો છે. બેંકના વહીવટ સામે સવાલ ઉઠાવનારા અને જાગૃત ગણાતા ત્રણ ખેડૂત પ્રતિનિધિઓની સભા શરૂ થવાના ગણતરીના સમય પહેલાં જ પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવતાં સહકારી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાને પગલે વિપક્ષ અને ખેડૂતો દ્વારા સહકારી ક્ષેત્રમાં લોકશાહીનું ગળું દબાવવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
લેખિતમાં સવાલ પૂછ્યા ને બદલામાં મળી જેલ!
મળતી વિગતો અનુસાર, અટકાયત કરાયેલા ત્રણેય ખેડૂત પ્રતિનિધિઓએ બેંકના નિયમોને આધીન રહીને એક અઠવાડિયા અગાઉ જ જનરલ મેનેજરને બેંકના વહીવટ અને હિસાબો અંગેના કેટલાક તીખા પ્રશ્નો લેખિતમાં પૂછ્યા હતા. જોકે, સાધારણ સભામાં આ પ્રશ્નોની ચર્ચા થાય તે પહેલાં જ વહીવટી તંત્રના ઈશારે પોલીસ આ ખેડૂતોને પકડી ગઈ હતી. જ્યાં સુધી બેંકની સાધારણ સભા સત્તાવાર રીતે પૂર્ણ ન થઈ, ત્યાં સુધી આ ત્રણેય પ્રતિનિધિઓને નજીકના પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ ખેડૂતોએ કર્યો છે.

ચેરમેન ડોલર કોટેચા સામે ખેડૂતોનો ઉગ્ર આક્રોશ
આ સમગ્ર વિવાદની સોય બેંકના ચેરમેન ડોલર કોટેચા સામે તણાઈ છે. ખેડૂત અગ્રણીઓએ ચેરમેન પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું છે કે, સભામાં પોતાની પોલ ખુલ્લી ન પડી જાય અને સત્તાધારી પક્ષને ભીંસમાં લેતા પ્રશ્નો ન પૂછાય તે માટે દર વર્ષે પોલીસના જોરે ખેડૂતોનો અવાજ દબાવવાની આ જ પ્રકારની સરમુખત્યારશાહી પદ્ધતિ અપનાવવામાં આવે છે. સવાલ પૂછનારા ખેડૂતોને ગુનેગારની જેમ પોલીસ સ્ટેશને બેસાડી રાખીને બેંકની સભા આટોપી લેવામાં આવતા પાટીદાર ગઢ મહેસાણાના સહકારી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.