calendar_todayMay 8, 2026
Mehsana: દારૂના કેસમાં બેદરકારી બદલ તાલુકા PI ડી.આર. રાવ અને જમાદાર સસ્પેન્ડ
મહેસાણા તાલુકા પોલીસની હદમાં ચાલતા દારૂના કાળા કારોબાર પર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. પોતાની હદમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિ રોકવામાં નિષ્ફળ રહેલા અને ફરજમાં નિષ્કાળજી દાખવનાર મહેસાણા તાલુકા પોલીસ મથકના PI અને જમાદાર સામે સસ્પેન્શનના ઓર્ડર છૂટ્યા છે.
શું હતો સમગ્ર મામલો?
ગત 19 એપ્રિલના રોજ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મહેસાણાના છઠીયારડા ગામની સીમમાં બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. આ રેડ દરમિયાન પોલીસને મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. SMC એ આ સ્થળેથી અંદાજે ₹18 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ફરજમાં નિષ્કાળજી બદલ એક્શન
સ્થાનિક પોલીસના નાક નીચે આટલા મોટા પાયે દારૂનો જથ્થો હોવા છતાં તાલુકા પોલીસને તેની જાણ ન હોવી અથવા કાર્યવાહી ન કરવી તે બાબતને ગંભીરતાથી લેવામાં આવી છે. જેના પરિણામે મહેસાણા જિલ્લા પોલીસ વડાએ મહેસાણા તાલુકા PI ડી.આર. રાવ અને જમાદાર ચિરાગજીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.