android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Modasa: તા.18, 19 માર્ચે ઉ.ગુ.માં માવઠાની આગાહી

calendar_todayMarch 14, 2026

Modasa: તા.18, 19 માર્ચે ઉ.ગુ.માં માવઠાની આગાહી

હમણાં તો શિયાળાએ વિદાય લીધી છે અને ઉનાળાની શરૂઆત થઈ છે. આ વર્ષે ઉનાળાના પ્રારંભે જ કાળઝાળ ગરમી પણ પડી રહી છે. ત્યારે માર્ચની શરૂઆતમાં સામાન્ય ઠંડી અને બાદમાં કાળઝાળ ગરમી બાદ હવે આ જ મહિનામાં વરસાદી માહોલ પણ રહી શકે છે. હવામાન વિભાગે 18 અને 19 માર્ચના રોજ ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. જેના પગલે ખેડૂતોના જીવ અધ્ધર થયા છે. જો અત્યારના સમયમાં માવઠું થાય તો જે ખેડૂતોનો તૈયાર પાક ખેતરોમાં છે તેને વ્યાપક નુકસાન જવાનો ભય રહેલો છે. 40 ડિગ્રી મહત્તમ તાપમાન પહોંચી જતાં લોકો કાળઝાળ ગરમીમાં શેકાઈ રહયા છે. જો કે હવે અગનગોળા વરસાવતી ગરમી વચ્ચે હવામાનમાં પલટો આવવાની દહેશત ઉભી થઈ છે. આકરી ગરમી અને ઉનાળાના પ્રારંભે જ માવઠું થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 18 અને 19 માર્ચે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. જેમાં 18મીએ કચ્છ અને બનાસકાંઠા તેમજ પાટણ જિલ્લામાં જ માવઠાની આગાહી કરવામાં આવી છે. 19 માર્ચે માવઠાનો વિસ્તાર વધીને સૌરાષ્ટ્રના અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થશે તેવી શક્યતાઓ વ્યકત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના બે જિલ્લાઓમાં માવઠાની આગાહી ભલે કરવામાં આવી હોય પણ પલટાયેલા વાતાવરણની અસર આસપાસના જિલ્લાઓમાં પણ વર્તાઈ શકે છે અને જો માવઠું થાય તો સમસ્યાઓ ઉભી થઈ શકે છે. એક તરફ હોળી બાદ ખેતરોમાં તૈયાર ઘઉની કાપની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ગામડાઓમાં ઠેર-ઠેર ઘઉં કાઢવાના થ્રેશરોની દોડાદોડી જોવા મળી રહી છે. મોટાભાગના ખેડૂતોએ કાપણી કરી રાખી ખેતરોમાં તૈયાર પાકના ઢગલા કરી રાખ્યા છે. બીજી તરફ ઘઉં લેવાઈ ગયા હોય તો ખેડૂતોએ ઘર આગળ પણ ઘઉંની બોરીઓના ઢગલા કરી રાખ્યા છે. જો આવા સમયે કમોસમી માવઠું થાય અને ખેડૂતોના તૈયાર પાકને પાણી કે ભેજની અસર થાય તો વ્યાપક નુકસાન થવાની દહેશત ઉભી થઈ છે. ઉનાળો આકરો જામ્યો છે તે વચ્ચે માવઠાની આગાહીથી ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam