android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Modasa: અરવલ્લી જિલ્લામાં કુલ 2,121 કર્મચારીઓ દ્વારા વસ્તી ગણતરીની કામગીરી હાથ ધરાશે

calendar_todayMay 13, 2026

Modasa: અરવલ્લી જિલ્લામાં કુલ 2,121 કર્મચારીઓ દ્વારા વસ્તી ગણતરીની કામગીરી હાથ ધરાશે

ભારતની વસ્તી ગણતરી-2027ની કામગીરી આગામી સમયમાં શરૂ થવા જઇ રહી છે. તેને લઇને અરવલ્લી જિલ્લામાં કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી છે. જિલ્લામાં કુલ 2121 કર્મચારીઓ દ્વારા વસ્તી ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરીને લઇને જિલ્લામાં કર્મચારીઓને તાલીમ આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સત્તાવાર સુત્રો પ્રમાણે સમગ્ર દેશમાં વસ્તી ગણતરીની કામગીરી બે તબક્કામાં હાથ ધરવામાં આવનાર છે. જેમાં ઘરયાદી અને મકાનોની ગણતરી (એચએલઓ) અને વસ્તીની ગણતરી (પોપ્યુલેશન એન્યુમરેશન-પીઇ) હાથ ધરવામાં આવનાર છે. જેમાં રાજ્ય સામાન્ય વહીવટ વિભાગના જાહેરનામાથી પ્રથમ તબક્કાની ઘરયાદી અને મકાનોની ગણતરીની ક્ષેત્રીય કામગીરી તા.1લી જૂન 2026થી તા. 30મી જૂન 2026 દરમિયાન થનાર છે. આ સમયગાળા પહેલાં સ્વ-ગણતરી(સેલ્ફ એન્યુમરેશન) પણ પંદર દિવસ પહેલાં થનાર છે. જેમાં નાગરિકો માટે 15 દિવસ પોર્ટલ ખુલ્લું મુકવામાં આવશે.

જેમાં ઘેરબેઠા, સરળ અને ઝડપી, સુરક્ષિત રીતે નાગરિકો પોતાના કુટુંબનું રજિસ્ટ્રેશન મોબાઇલ કે લેપટોપથી પણ કરી શકશે. જેમાં પ્રથમ તબક્કાની ઘરયાદી અને મકાનોની ગણતરીની કામગીરી પહેલાં અરવલ્લી જિલ્લામાં ગણતરીદાર અને સુપરવાઇઝરોને તાલીમ આપવાનું આયોજન થયું છે. જેમાં જિલ્લામાં કુલ 10 ચાર્જમાં કુલ 1809 (1664 પ્લસ 165 રિઝર્વ) ગણતરીદારો અને કુલ 312 (280 પ્લસ 165 રિઝર્વ) સુપરવાઇઝરો મળીને કુલ 2121 જેટલા ગણતરીદારો અને સુપરવાઇઝરો માટે જિલ્લામાં તાલીમનો પ્રારંભ થયો છે. આ કર્મચારીઓને તાલીમ આપવામાં આવનાર છે. જેમાં ગતરોજ મોડાસા તાલુકો અને મોડાસા નગરપાલિકાની તાલીમ જે બી શાહ ઇંગ્લીશ મિડીયમ સ્કૂલ, મોડાસા ખાતે તેમજ બાયડ તાલુકાની તાલીમ સરદાર પટેલ ટાઉન હોલ બાયડ ખાતે યોજવામાં આવી હતી. જેમાં કુલ 652 ગણતરીદારો અને સુપરવાઇઝરોને તાલીમ આપવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો