calendar_todayMarch 18, 2026
Modasa: મોડાસામાં વિવિધ વિસ્તારોમાં 20 નળ જોડાણ કાપી નંખાયા, પાંચ મિલકતો સીલ કરી દેવાઈ
માર્ચ અંત સુધીમાં વેરા વસૂલાતનો ટાર્ગેટ પૂરો કરવા મોડાસા નગરપાલિકાએ બાકીદારો સામે કડક પગલાં ભરવાનાં શરું કરી દીધા છે. જેમાં લાંબા સમયથી વેરો ન ભરતા બાકીદારીના નળ જોડાણ કાપવાની તેમજ મિલકતોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવતાં બાકીદારોમાં ફ્ફ્ડાટ ફેલાયો છે.
મોડાસા નગરપાલિકાના વેરા વસૂલાત વિભાગ દ્વારા ચાલુ સાલના 7.3 કરોડ પૈકી 5.09 કરોડની વસૂલાત કરવામાં આવી છે અને 1.94 કરોડની વસૂલાત બાકી છે. જ્યારે પાછલા 5.77 કરોડના માંગણા સામે 81.88 લાખની વસૂલાત થઈ શકી છે અને 5.09 કરોડ વસૂલવાના બાકી છે. આમ ચાલુ વર્ષની અને અગાઉના વર્ષોની મળી સાત કરોડ જેટલી વસૂલાત બાકી છે.
મોડાસા નગરપાલિકા દ્વારા બાકીદારોને નોટિસો આપી વેરો ભરી દેવા જાણ કરવામાં આવે છે. તેમાંય વર્ષોથી વેરો ન ભરતા રહિશોને કડક ચેતવણીઓ પણ આપવામાં આવે છે. તેમ છતાંય અનેક રીઢા બાકીદારો પાલિકામાં ટેક્સ ભરતા જ નથી. ત્યારે વર્ષોથી વેરો ન ભરી પાલિકાની તિજોરીને નુકસાન પહોંચાડનાર બાકીદારો સામે પાલિકાએ કડક પગલાં ભરવાના ભાગરૂપે બાકીદારોની મિલકતો સીલ કરવાનું શરૂ કર્યું છે. આ અંગે મોડાસા પાલિકાના વેરા વસૂલાત વિભાગના કુંજનભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, શહેરના અલગ અલગ વિસ્તારોમાં 20થી વધુ બાકીદારોના નળ જોડાણ કાપી નાખવામાં આવ્યા છે.
વર્ષોથી વેરો ન ભરતા પાંચ બાકીદારોની મિલકતો પણ સીલ કરી દેવામાં આવી છે. પાલિકા દ્વારા માર્ચ અંત સુધીમાં વેરા વસૂલાતનો ટાર્ગેટ પૂરો કરવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને હજુ પણ અનેક બાકીદારોની મિલકતો સીલ કરવામાં આવશે. લાંબા સમયથી વેરો ન ભરનાર બાકીદારોના ઉનાળાની આકરી ગરમીમાં નળ જોડાણ પણકાપવામાં આવી રહ્યા હોય બાકીદારોમાં ફ્ફ્ડાટ ફેલાયો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
https://sandesh.com/maru-saher-maru-gaam