android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Modasa: સગરવાડામાં રાત્રે મકાનનો સ્લેબ તૂટતાં 7 લોકોને ઈજા, રક્ષાબંધન કરવા આવેલા બહેન-ભાણેજ પણ ઈજાગ્રસ્ત

calendar_todayAugust 28, 2026

Modasa: સગરવાડામાં રાત્રે મકાનનો સ્લેબ તૂટતાં 7 લોકોને ઈજા, રક્ષાબંધન કરવા આવેલા બહેન-ભાણેજ પણ ઈજાગ્રસ્ત

મોડાસામાં આવેલા સગરવાડા વિસ્તારમાં મોડી રાત્રે ભયનો માહોલ સર્જાયો હતો. અહીં રહેતા હર્ષદભાઈ ભાવસારનું જૂનું અને કાચું મકાન અચાનક ધડાકાભેર ધરાશાયી થયું હતું. આ ઘટના મોડી રાત્રે આશરે 12:30 વાગ્યાના સુમારે બની હતી, જ્યારે પરિવારના સભ્યો ઘોર નિંદ્રામાં હતા.

મોડાસામાં મોડી રાત્રે મોટી દુર્ઘટના

મકાનના ઉપરના ભાગે રાત્રિના સમયે પરિવારના ચાર સભ્યો સુતેલા હતા. અચાનક જ ઉપરના રૂમનો સ્લેબ કડડભૂસ થઈને નીચે તૂટી પડ્યો હતો. જેને કારણે ઉપર સુતેલા ચારેય વ્યક્તિઓ સ્લેબના કાટમાળ સાથે જ નીચેના રૂમમાં આવી પડ્યા હતા, જેથી આખા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનાની કરુણતા એ છે કે હર્ષદભાઈના બહેન અને ભાણેજ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવવા માટે ખાસ મોડાસા આવ્યા હતા. તહેવારની ખુશીઓ વચ્ચે જ આ અકસ્માત સર્જાયો હતો. સ્લેબ તૂટીને નીચે પડતાં નીચેના રૂમમાં સુતેલા અન્ય ત્રણ વ્યક્તિઓ પણ કાટમાળ હેઠળ દબાઈ જતાં ઈજાગ્રસ્ત થયા હતા.

સ્લેબ તૂટી પડતાં ઉપર સુતેલા લોકો નીચે ખાબક્યા

ધડાકો સાંભળીને આસપાસના રહીશો તુરંત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કાટમાળ હટાવીને નીચે દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ઉપર સુતેલા 4 અને નીચેના 3 મળી કુલ 7 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આટલી મોટી દુર્ઘટના હોવા છતાં કોઈ જાનહાની ન થતાં પરિવારે અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ પણ વાંચો: Rajkot: ભાદર યોજના અને પાઇપલાઇન કનેક્શન માટે RMC નો પાણીકાપ, અગાઉથી પાણી સંગ્રહ કરવા અપીલ