calendar_todayMarch 25, 2026
Modasa: એક જ IMEI નંબર પર એક્ટિવ અધધ 101 મોબાઇલ ફોન જપ્ત
અરવલ્લી જિલ્લા પોલીસની એસઓજી શાખાએ ગતરોજ એક મોટા કૌભાંડનો ખુલાસો કર્યો છે. જેમાં પોલીસને ચોરીના એક ગુનાની તપાસ દરમિયાન મોબાઇલ ફોનનો એક આઇએમઇઆઇ નંબર મળ્યો હતો. તેની તપાસ કરાતાં એક જ આઇએમઇઆઇ નંબર ઉપર એક, બે, દસ, બાર નહીં પણ 101 મોબાઇલ ફોન એક્ટિવ હોવાનું જાણવા મળતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સમગ્ર કેસમાં પોલીસે ઝીણવટભરી તપાસ આદરી છે. તમામ 101 મોબાઇલ ફોન જપ્ત કરી પોલીસ મોટા કૌભાંડનો પર્દાફાશ કરવા તરફ આગળ વધી રહી હોવાનું જાણવા મળ્યું છે.
અરવલ્લી જિલ્લા પોલીસની એસઓજી શાખાનો સ્ટાફ જિલ્લામાં વણઉકેલ ગુનાઓની તપાસમાં હતો. આવા જ એક ગુનાની સ્થળ તપાસ દરમિયાન ડમ્પડેટા મેળવી તેનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું. જેમાં મળેલા આઇએમઇઆઇ નંબરમાં એક્ટિવ મોબાઇલ ફોનની તપાસ કરાતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. મોબાઇલ ફોનના એક જ આઇએમઇઆઇ નંબર ઉપર એક કરતાં વધુ મોબાઇલ ફોન એકિટવ હોવાનું જણાયું હતું. આથી પોલીસના ટેક્નીકલ સ્ટાફ મારફતે વધુ એનાલિસીસ કરાવતાં વિવિધ એન્ડ્રોઇડ કંપનીના મોબાઇલ ફોન એક્ટિવ હોવાનું ખુલ્યું હતું. આથી આ તમામ મોબાઇલધારકોને એસઓજી ઓફિસે બોલાવાયા હતા અને તેમના મોબાઇલ ફોન ચેક કરવામાં આવ્યા હતા. એક પછી એક એમ 101 મોબાઇલ ફોનના આઇએમઇઆઇ નંબર એકસરખા હોવાનું માલુમ પડતાં પોલીસ પણ વિમાસણમાં મુકાઇ હતી. મોબાઇલધારકોને તેમના મોબાઇલ ફોનના બિલ રજૂ કરવા જણાવ્યું હતું. પરંતુ તેઓ બિલ રજૂ કરી શક્યા ન હતા. આથી રૂ.7,14,400ની કિંમતના 101 મોબાઇલ ફોન તપાસ અર્થે જપ્ત કરવામાં આવ્યા હતા. આ મોબાઇલ ફોન મોડાસામાં આવેલી મોબાઇલ ફોનની વિવિધ દુકાનોમાંથી ખરીદ્યા હોવાનું પણ બહાર આવ્યું છે. આ એક મોટું કૌભાંડ હોવાનું પોલીસનું માનવું છે. કેસની તપાસમાં હજુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતાઓ હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
https://sandesh.com/maru-saher-maru-gaam