android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Modasa News: કોલેજ રોડ પર વિઝા ઓફિસ બહાર પ્રેમી યુવકને ઢોર માર મારી યુવતીનું ફિલ્મી ઢબે અપહરણ

calendar_todayJune 6, 2026

Modasa News: કોલેજ રોડ પર વિઝા ઓફિસ બહાર પ્રેમી યુવકને ઢોર માર મારી યુવતીનું ફિલ્મી ઢબે અપહરણ

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાંથી કાયદો-વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત કોલેજ રોડ પર આવેલી એક વિઝા કન્સલ્ટન્ટની ઓફિસ બહાર અલગ-અલગ ધર્મના દંપતી પર કેટલાક શખ્સોના ટોળાએ હિંસક હુમલો કર્યો હતો. હુમલાખોરોએ જાહેરમાં યુવકને લાકડીઓ અને ઢીકાપાટુનો ઢોર માર મારી યુવતીનું ફિલ્મી ઢબે અપહરણ કરી ફરાર થઈ ગયા હતા.

પ્રેમ લગ્નનો અજંપો અને અપહરણ

મિહિર પંચાલ અને અલ્ફીના નામના યુવક-યુવતીએ આશરે ૬ મહિના પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. અલગ-અલગ ધર્મના હોવાના કારણે બંને પક્ષે અગાઉથી જ અજંપો હતો. આ દંપતી ઓસ્ટ્રેલિયા જવા માટે વિઝા ઓફિસે આવ્યું ત્યારે બે કારમાં આવેલા શખ્સોએ મિહિરને નિર્મમતાપૂર્વક માર માર્યો હતો અને બંનેને બળજબરીપૂર્વક છૂટા પાડી અલ્ફીનાને ઉઠાવી ગયા હતા.

ઈજાગ્રસ્ત યુવક હોસ્પિટલમાં; પોલીસ તપાસ તેજ

આ ચકચારી ઘટનાને પગલે લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્ત મિહિરને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ મોડાસા ટાઉન પોલીસનો કાફલો તાબડતોબ દોડી ગયો હતો. પોલીસે યુવકની ફરિયાદના આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને નાસી છૂટેલા અપહરણકારોને ઝડપી પાડવા સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો