calendar_todayAugust 29, 2026
Morbi: ગુડ મોર્નિંગ મોરબી...શહેર-જિલ્લામાં ટૂંક સમયમાં રેડિયો ગુંજતો થઈ જશે
મોરબીમાં ટૂંક સમયમાં ઓલ ઈન્ડિયા રેડિયો (આકાશવાણી) સ્ટેશન શરૂ થવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટને સાકાર કરવાની દિશામાં દિલ્હી અને અમદાવાદના ઉચ્ચ અધિકારીઓની ટીમે મોરબી ખાતે રેડિયો સ્ટેશન માટેની રવાપર - ધુનડા રોડ પરની સૂચિત જગ્યાનું બારીકાઈથી સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન સ્ટેશન સ્થાપવા માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્થળની ભૌગોલિક યોગ્યતા અંગે પ્રાથમિક સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
મંત્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા કરવામાં આવેલી સતત રજૂઆતો અને સઘન પ્રયાસોના પરિણામે આ પ્રોજેક્ટને નવી ગતિ મળી છે. મોરબીની મુલાકાતમાં ન્યૂ દિલ્હી ઓલ ઈન્ડિયા રેડિયોના એડિશનલ ડિરેક્ટર જનરલ અભિષેક અગ્રવાલ, ડેપ્યુટી ડિરેક્ટર જનરલ રવિન્દ્ર ગોયલ અને અમદાવાદ-ગુજરાત ક્લસ્ટર આકાશવાણીના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ એન. એલ. ચૌહાણ, મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી સહિતના સ્થાનિક આગેવાનોએ રવાપર - ધુનડા રોડ પર ફાળવેલ સરકારી ખરાબાની જગ્યા પર બારીકાઈથી નિરીક્ષણ કરી પ્રોજેક્ટની રૂપરેખા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.
મોરબીમાં આકાશવાણી કેન્દ્ર શરૂ થવાથી સ્થાનિક કલાકારો અને પ્રતિભાઓને પોતાની કલા રજૂ કરવા માટે એક નવું પ્લેટફોર્મ મળશે. આ રેડિયો સ્ટેશનના માધ્યમથી સ્થાનિક સમાચાર, શિક્ષણ, કૃષિ, ઉદ્યોગ, સંસ્કૃતિ, લોકકલા તેમજ સામાજિક જાગૃતિના વિવિધ કાર્યક્રમો લોકો સુધી સરળતાથી પહોંચશે. ઔદ્યોગિક નગરી મોરબીના વિકાસમાં આ સુવિધાનો ઉમેરો એક મહત્વપૂર્ણ કડી સાબિત થશે અને સ્થાનિક જનજીવનને વધુ માહિતીસભર બનાવશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો