android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Morbi: પ્રેમસંબંધ મુદ્દે થયેલી મારામારીમાં 60 વર્ષીય વૃદ્ધની હત્યા, પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત 4 આરોપીઓને દબોચ્યા

calendar_todayJanuary 16, 2026

Morbi: પ્રેમસંબંધ મુદ્દે થયેલી મારામારીમાં 60 વર્ષીય વૃદ્ધની હત્યા, પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત 4 આરોપીઓને દબોચ્યા

મોરબી શહેરના મયુર બ્રિજ નીચે બુધવારે રાત્રે પ્રેમસંબંધની તકરારે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. દીકરીના લગ્નની વાત કરવા ગયેલા પિતા પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરવામાં આવતા 60 વર્ષીય વૃદ્ધનું કરુણ મોત નીપજ્યું છે. આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી સહિત ચાર શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લગ્નની વાતમાં વણસી બાજી

ઘટનાની વિગત એવી છે કે, આરોપી અજય હઠીલાને મૃતક કાસુભાઈ ચાડમિયાની દીકરી સાથે પ્રેમસંબંધ હતો. અજયે કાસુભાઈ અને તેમના દીકરા મનોજભાઈ સાથે લગ્નની વાત કરી હતી. જોકે, આ ચર્ચા દરમિયાન મામલો બિચક્યો હતો અને બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

તીક્ષ્ણ હથિયારોથી ઘાતકી હુમલો

ઝઘડો વધતા અજય હઠીલાએ ઉશ્કેરાઈને તેના પડોશમાં રહેતા અન્ય ત્રણ મિત્રોને બોલાવી લીધા હતા. આ ટોળકીએ કાસુભાઈ (ઉં.વ. 60) અને તેમના પુત્ર પર લાકડાના ધોકા, પથ્થરો અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. હુમલાખોરોએ વૃદ્ધ કાસુભાઈના સાથળના ભાગે ગંભીર ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે પુષ્કળ રક્તસ્ત્રાવ થતા તેમનું મોત થયું હતું.

ઝડપાયેલા આરોપીઓની યાદી

મોરબી બી ડિવિઝન પોલીસે ત્વરિત તપાસ કરીને નીચે મુજબના ચાર આરોપીઓની ધરપકડ કરી છે. અજય રમેશભાઈ હઠીલા (ઉં.વ. 25) - મુખ્ય આરોપી,અજયભાઈ જાનૈયાભાઈ ખરાડી (ઉં.વ. 25),બંટી હેનરીભાઈ ડામોર (ઉં.વ. 33),દીપુ જાનૈયાભાઈ ખરાડી (ઉં.વ. 42).

પોલીસની કાર્યવાહી અને ક્રોસ ફરિયાદ

મોરબીના ડીવાયએસપી જે.એમ. આલે જણાવ્યું હતું કે, આ મામલે ક્રોસ ફરિયાદ પણ નોંધાઈ છે. સામે પક્ષે અજય હઠીલાએ પણ મૃતક વૃદ્ધ અને તેમના દીકરા સહિત પાંચ શખ્સો વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે હત્યાના કેસમાં પકડાયેલા ચારેય આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે, જ્યારે ક્રોસ ફરિયાદના અન્ય આરોપીઓને પકડવા પણ ટીમો રવાના કરી છે.

આ પણ વાંચો: 4.60 કરોડના શિષ્યવૃત્તિ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર 2 વર્ષે ઝડપાયો, SOG એ બુધેચા ગામેથી દબોચ્યો