calendar_todaySeptember 16, 2026
Morbi: શેરબજારમાં રોકાણના નામે રૂ.86 લાખની છેતરપિંડી કરનાર 3 ઠગની ધરપકડ
મોરબીમાં શેરબજારમાં ઉંચા નફાની લાલચ આપી ઠગ ટોળકીએ સિરામિક ટ્રેડર્સના પુત્ર સાથે રૂ.86.25 લાખની ઠગાઈ કરી હતી. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ ટીમે ગુનો નોંધી તપાસનો ધમધમાટ ચલાવી ઠગ ટોળકીના ત્રણ સભ્યોને દબોચી લઈ તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત આરોપીઓ પાસેથી રૂ.61 લાખની રકમ પણ રિકવર કરવામાં આવી છે.
મોરબીમાં ઉમા ટાઉનશીપમાં ગુંજન હોમ્સમાં રહેતા અને ટીંબડી નજીક ટાઇલ્સ અને માર્બલનો વેપાર કરતા ભરતભાઇ ખીમજીભાઈ વરમોરા ઉ.45 નામના વેપારીના પુત્ર પલ્લવને આરોપીઓ દ્વારા ફોન કરી સ્ટોક માર્કેટમાં રોકાણ કરી મોટા આર્થિક ફાયદા થવાની અલગ અલગ સ્કીમો અંગે માહિતી આપી જાળમાં ફ્સાવવામાં આવ્યો હતો. મે-જુન 2026ના માસમાં અલગ અલગ તારીખે બેન્ક તથા આંગડિયા પેઢી મારફ્તે સ્ટોક માર્કેટમાં રોકાણ માટે યુવાને આરોપીઓને કુલ રૂ.86,25,950 જેટલી રકમ ટ્રાન્સફર કરી હતી. ત્યારબાદ આ રકમ આરોપીઓ ઓળવી ગયા હતા અને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં ફરિયાદીએ સરકારની સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નં. 1930 ઉપર ફોન કરી ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરાઈ હતી.
આ મામલે સાયબર ક્રાઈમની ટીમે તપાસ હાથ ધરતા આરોપીઓ મહેસાણા જિલ્લાના હોવાનું ખૂલતાં એક ટીમને મહેસાણા રવાના કરવામાં આવી હતી. આ ટીમે નીતિન રબારી, ભલાભાઈ રબારી અને કશ્યપજી ઠાકોરની ધરપકડ કરી છેતરપિંડીમાં ગયેલી રકમ પૈકી રૂ. 61,00,000ની માતબર રકમ રિકવર કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આ ગેંગના સભ્યો નવ યુવાનોને ફોન કરી સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાની સ્કીમો બતાવી, મોટા આર્થિક ફાયદા થવાના દિવાસ્વપ્ન બતાવી ફ્સાવતા હતા. ત્યારબાદ આરોપીઓ દ્વારા મોટી રકમનું અલગ અલગ બેન્ક એકાઉન્ટ,UPI ID તથા આંગડિયા પેઢી મારફ્તે ટ્રાન્ઝેક્શન કરાવી ઠગાઈ આચરવામાં આવતીહતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો