android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Morbi News: બૂંદિયાળો બુધવાર! અકસ્માતની બે ઘટનામાં ત્રણ લોકોએ ગુમાવ્યા જીવ! 12 લોકો ઈજાગ્રસ્ત

calendar_todayOctober 21, 2026

Morbi News: બૂંદિયાળો બુધવાર! અકસ્માતની બે ઘટનામાં ત્રણ લોકોએ ગુમાવ્યા જીવ! 12 લોકો ઈજાગ્રસ્ત

મોરબી જિલ્લામાં બુધવારનો દિવસ આફતો લઈને આવ્યો હોય તેમ અકસ્માતની બે હચમચાવી નાખનારી ઘટનાઓ સામે આવી છે. આ અકસ્માતોની ઘટનાઓમાં કૂલ ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલ ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડી પોલીસ ઘટનાઓની વિગતવાર તપાસ કરી રહી છે. 

મોરબી-હળવદ રોડ પહેલી ઘટના 

મોરબી-હળવદ રોડ પર આવેલા નીચી માંડલ ગામ પાસેના એક સિરામિક કારખાનામાં બની હતી. જ્યાં કારખાનાની અંદર સફાઈ કામ કરી રહેલા 57 વર્ષીય અમરતબેન નામના આધેડ મહિલાને પૂરઝડપે આવી રહેલા એક ડમ્પર ચાલકે પોતાની અડફેટે લીધા હતા. ડમ્પર નીચે ચગદાઈ જવાથી અમરતબેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર દર્દનાક અકસ્માત કારખાનામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. બનાવ અંગે મૃતક મહિલાના પુત્ર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ડમ્પર ચાલક વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Morbi News: Road Accident, 3 Dead and 12 Injured in Two Tragic Crashes

નવલખી રોડ પર બીજી ઘટના

મોરબીમાં અકસ્માતની બીજી મોટી દુર્ઘટના નવલખી રોડ પર સર્જાઈ હતી. જ્યાં એક ટ્રક અને બોલેરો ગાડી વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો હતો. આ બોલેરો ગાડીમાં સવાર બાળકો સહિત કુલ 12 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત એટલો ભીષણ હતો કે તેમાં બે યુવાનો મહેન્દ્ર મોવેલ અને શંકર અજનાલ નામના વ્યક્તિઓના ઘટના સ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા. જ્યારે આ દુર્ઘટનામાં 3 બાળકો સહિત કુલ 10 જેટલા લોકો ગંભીર ઇજાઓ સાથે હાલ સારવાર હેઠળ છે.

Morbi News: Road Accident, 3 Dead and 12 Injured in Two Tragic Crashes

બિસ્માર રસ્તાઓ બન્યા મોતના સોદાગર

મોરબીના નવલખી રોડની હાલત અત્યંત જર્જરિત અને બિસ્માર હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ રોડ પર મોટા-મોટા ખાડાઓ અને ખરાબ રસ્તાના કારણે અવારનવાર નાના-મોટા અને જીવલેણ અકસ્માતો સર્જાતા રહે છે. તંત્રની બેદરકારીના કારણે નિર્દોષ નાગરિકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે, જેને લઈને મોરબીના નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો: Morbi News: માંગણીઓ નહીં સંતોષાય તો દિવાળી પછી રાજ્યભરના ખેડૂતો શક્તિપ્રદર્શન કરશે