calendar_todayApril 5, 2026
Morbi News: માળિયા મિયાણા પોલીસની બાજ નજરથી કારનું 'ચોરખાનું' ના બચ્યું, વિદેશી દારૂની 96 બોટલ ઝડપાઇ
મોરબી જિલ્લાની માળિયા મિયાણા પોલીસે પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત એક મોટી સફળતા મેળવી છે. કચ્છ તરફથી આવી રહેલી એક શંકાસ્પદ કારને અટકાવી તેની તલાશી લેતા, કારમાં કુશળતાપૂર્વક બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ, કાર અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 2.16 લાખની કિંમતનો સામાન જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે.
કચ્છથી આવતી કારમાં ગુપ્ત ખાનું
માળિયા મિયાણા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કચ્છ તરફથી આવી રહેલી GJ 01 HM 0110 નંબરની કારને શંકાના આધારે અટકાવવામાં આવી હતી. પ્રથમ દ્રષ્ટિએ કાર ખાલી જણાતી હતી, પરંતુ ઝીણવટભરી તપાસ કરતા કારમાં ખાસ પ્રકારનું ચોરખાનું મળી આવ્યું હતું. આ ખાનામાંથી પોલીસને ભારતીય બનાવટના વિદેશી દારૂની 96 બોટલો મળી આવી હતી, જેની કિંમત અંદાજે રૂ. 1.16 લાખ થાય છે.
રીઢો ગુનેગાર નરપતરામ ઝડપાયો
પોલીસે આ મામલે કાર ચાલક ઘનશ્યામ ડાયાભાઇ પરમારની ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલો આરોપી ઘનશ્યામ અગાઉ પણ માળિયા અને મોરબી તાલુકા પોલીસ મથકે પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલો છે. પોલીસે રૂ. 1.16 લાખનો દારૂ અને રૂ. 1 લાખની કિંમતની કાર મળી કુલ રૂ. 2.16 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. હાલમાં પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો