android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Mumbai : મુંબઈવાસીઓ પાણી સાચવીને વાપરજો, BMC 15 મેથી 10% પાણીનો કરશે કાપ

calendar_todayMay 12, 2026

Mumbai : મુંબઈવાસીઓ પાણી સાચવીને વાપરજો, BMC 15 મેથી 10% પાણીનો કરશે કાપ

મુંબઈમાં પાણીનું ગંભીર સંકટ ઊભું થવાનો ભય વધ્યો છે. શહેરને પાણી પૂરું પાડતા જળાશયોમાં પાણીનું સ્તર ઝડપથી ઘટતા અને નબળા ચોમાસાની આગાહીને ધ્યાનમાં રાખીને સરકાર અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ મોટો નિર્ણય લીધો છે. હવે 15 મે, ગુરુવારથી સમગ્ર મુંબઈમાં 10 ટકા પાણી કાપ અમલમાં મુકવામાં આવશે.

જળાશયોમાં પાણીનો જથ્થો ચિંતાજનક સ્તરે

BMC દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ 11 મે સુધી શહેરને પાણી પૂરું પાડતા જળાશયોમાં કુલ 3,40,399 મિલિયન લીટર પાણી ઉપલબ્ધ હતું. જ્યારે આ જળાશયોની કુલ ક્ષમતા 14,47,363 મિલિયન લીટર છે. હાલમાં માત્ર 23.52 ટકા ઉપયોગલાયક પાણી જ બચ્યું છે. વધતી ગરમી અને પાણીના વધતા વપરાશને ધ્યાનમાં રાખીને પાણીનો જથ્થો લાંબા સમય સુધી ટકી રહે તે માટે આ નિર્ણય લેવાયો છે.

15 મેથી સમગ્ર મુંબઈમાં 10 ટકા પાણીની કપાત

મુંબઈને પાણી પૂરું પાડતા જળાશયોમાં ઘટાડો થતાં BMCએ 15 મેથી શહેરભરમાં 10 ટકા પાણી કપાત લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ પગલાનો હેતુ ઉપલબ્ધ પાણીનો વધુ સમય સુધી ઉપયોગ થઈ શકે અને લોકોને પાણીની ગંભીર તંગીનો સામનો ન કરવો પડે તે છે. BMC અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા અલ નીનોના કારણે નબળા ચોમાસાની આગાહી કરવામાં આવી છે. તેથી 31 ઓગસ્ટ સુધી પૂરતું પાણી જળવાઈ રહે તે માટે પાણી કપાતનો નિર્ણય લેવામાં આવ્યો છે. અધિકારીઓએ લોકોને પાણીનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવાની અને બગાડ ટાળવાની અપીલ કરી છે.

આ 7 તળાવો પર નિર્ભર છે મુંબઈ

મુંબઈ પોતાની દૈનિક પાણી જરૂરિયાત માટે સાત તળાવો પર નિર્ભર છે — અપ્પર વૈતરણા, મિડલ વૈતરણા, મોદક સાગર, તાનસા, ભાતસા, વિહાર અને તુલસી. BMC અનુસાર, ભાતસા ડેમમાંથી વધારાના 1,47,092 મિલિયન લીટર અને અપ્પર વૈતરણામાંથી 90,000 મિલિયન લીટર પાણીનો જથ્થો મળશે. છતાં વધતા તાપમાન અને બાષ્પીભવનને કારણે પાણીનો જથ્થો વધુ ઝડપથી ઘટી રહ્યો છે.

થાણે અને ભિવંડીમાં પણ પાણી કપાત

મુંબઈ સિવાય થાણે, ભિવંડી-નિઝામપુર મહાનગરપાલિકા અને આસપાસના ગામોમાં પણ 15 મેથી 10 ટકા પાણી કપાત અમલમાં રહેશે. પૂરતા પ્રમાણમાં વરસાદ અને જળાશયોમાં પાણીનો જથ્થો ફરી સામાન્ય સ્તરે ન પહોંચે ત્યાં સુધી આ વ્યવસ્થા ચાલુ રહેશે. BMCએ લોકોને પાણી બચાવવા માટે ખાસ અપીલ કરી છે. ન્હાવા માટે શાવરની જગ્યાએ ડોલનો ઉપયોગ કરવો, બ્રશ કરતી વખતે નળ બંધ રાખવો, વાહન ધોવા માટે પાઈપની જગ્યાએ ભીનું કપડું વાપરવું અને પાણી બચત કરનારા નોઝલનો ઉપયોગ કરવો જેવી સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો : NEET Paper Leak Case : પેપર લીક મામલે નાસિક કનેક્શન આવ્યું સામે, એક શંકાસ્પદને લેવાયો કસ્ટડીમાં