android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Nadiad : ડાકોર હત્યા કેસના આઠ શખ્સો બિલોદરા જેલમાં ધકેલી દેવાયા

calendar_todayOctober 16, 2026

Nadiad : ડાકોર હત્યા કેસના આઠ શખ્સો બિલોદરા જેલમાં ધકેલી દેવાયા

ડાકોરમાં જૂની અદાવતમાં બુધવારની રાત્રે થયેલ જૂથ અથડામણમાં એક યુવાનની હત્યા થતાં ગામમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી. બનાવને પગલે ખેડા જિલ્લા પોલીસે નગરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ગુરુવારની રાત્રે મૃતક યુવાનની દફનવિધી કરાઈ હતી. પરિસ્થિતિ વિકટ ન બને તે માટે આખા રસ્તા પર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ડાકોરમાં વર્ષ જૂની ચૂંટણીની અદાવતમાં વોટ આપવા મામલે બે જૂથ વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા બંને પક્ષો એકબીજા પર ઘાતક હથિયારો સાથે તૂટી પડયા હતા. જોતજોતામાં પરિસ્થિતિ વિકટ બની હતી, પત્થરમારો પણ થયો હતો. આ જૂથ અથડામણમાં એક યુવાન સુલતાન ઈકબાલભાઈ શેખ (ઉં.વ.22)નું મોત નિપજયું હતું, જ્યારે આઠેકને ઈજા પહોંચવા પામી હતી. આ મામલે બંને પક્ષે કુલ 16 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવા પામી હતી. પોલીસે તમામને ઝડપી પાડયા હતા. આ દરમિયાન ગુરુવારની રાત્રે લગભગ આઠેક વાગ્યે મૃતક સુલતાનની દફનવિધિ કરવામાં આવી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસને સમગ્ર માર્ગ પર ખડકી દેવાયા હતા. અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મૃતકની અંતિમવિધિ હાથ ધરાઈ હતી. ડાકોર પી.આઈ. બી.પી.પટેલે જણાવ્યું હતું કે આઠની અટક કરી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે બિલોદરા જેલના સળિયા પાછળ ધકેલવાનો હુકમ કર્યો છે. હાલ નગરમાં માહોલ સંપૂર્ણ શાંત છે, પરિસ્થિતિ કંટ્રોલમાં છે, અને પોલીસ બંદોબસ્ત યથાવત્ હોવાનું ઉમેર્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો