android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Nadiad: ડાકોર શ્રી રણછોડરાયજી મંદિરમાં વિવિધ મનોરથનો તોતીંગ ભાવ વધારો તા. 15મી મે સુધી સ્થગિત કરાયો

calendar_todayMay 11, 2026

Nadiad: ડાકોર શ્રી રણછોડરાયજી મંદિરમાં વિવિધ મનોરથનો તોતીંગ ભાવ વધારો તા. 15મી મે સુધી સ્થગિત કરાયો

ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં શ્રી રણછોડરાયજીના દર્શને મોટી સંખ્યામાં ભકતો આવે છે. ત્યારે મંદિર કમીટી દ્વારા તાજેતરમાં જ ભગવાનની પુજાના વિવિધ મનોરથોમાં રાતોરાત અસહ્ય ભાવ વધારો ઝીંકવામાં આવતા ચોતરફથી વિરોધનો સુર ઉઠયો હતો. ત્યારે કમીટીએ હાલ પુરતો આ નિર્ણય મોકુફ રાખવાની જાહેરાત કરી આગામી તા.15મી મેના રોજ યોજાનારી આખરી બેઠકમાં ચર્ચા કરી યોગ્ય નિર્ણય લેવા જણાવતી નોટીસ જારી કરી છે.

સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર સ્થિત રાજા રણછોડરાયજીના મંદિરમાં ચરોતર સહિત રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ભકતો શીશ ઝુકાવવા આવે છે. આ ભકતો પોતે માનેલી માનતા મુજબ વિવિધ મનોરથો (લાગા) પણ કરે છે. જેમાં સુવર્ણ શિખર પરની નાની ધજા, બાવનગજની ધજા, રાજભોગ, કુંજ, તુલસી વિવાહ સહિતના મનોરથો પર ચાર્જ લેવાય છે. ત્યારે તાજેતરમાં ટેમ્પલ કમીટી દ્વારા આ મનોરથોના ભાવમાં વધારો ઝીંકવાનો નિર્ણય કર્યો હતો. ટેમ્પલ કમીટીના આ નિર્ણયને લઈને ભકતો અને મંદિરના સેવક પુજારીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી.ત્યારે લાગામાં વધારાના નીર્ણયથી ફાટી નીકળેલા રોષને જોઈ ટેમ્પલ કમીટીએ હાલ પુરતો આ નીર્ણય મોકુફ રાખવાની જાહેરાત કરી છે. ટેમ્પલ કમીટી દ્વારા નોટીસ મુકીને આ મામલે આગામી 15 મેના રોજ સેવક આગેવાનો સાથે બેઠક કરીને અંતીમ નીર્ણય લેવાશે તેમ જણાવાયુ છે. ડાકોર ટેમ્પલ કમીટીના ટ્રસ્ટી ગીરીશભાઈ દાણી સહિતનાઓએ પ્રસીધ્ધ કરેલ નોટીસમાં હાલની સ્થિતિએ જે ભાવ છે. તે ભાવ તા. 15મી મે, 2026 સુધી યથાવત રાખવાનો નિર્ણય કરાયો છે. અને આગામી તા. 15મી મેના રોજ યોજાનારી બેઠકમાં ચર્ચા કરી સુધારા-વધારા બાદ જ નવી વ્યવસ્થા અમલમાં મુકાશે તેમ જણાવાયુ છે. ત્યારે 15મી મેએ ટેમ્પલ કમીટી ભકતોના હિતમાં ભાવ વધારો પરત ખેંચે છે કે, પછી કોઈ મધ્યનો માર્ગ અપનાવે છે, તેના પર સૌની મીટ મંડાયેલી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો