android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Nadiad: માતરના ધારાસભ્યના ભત્રીજાના ધમધમતાં જુગારધામ પર SMCની રેડ,16ની ધરપકડ

calendar_todayApril 5, 2026

Nadiad: માતરના ધારાસભ્યના ભત્રીજાના ધમધમતાં જુગારધામ પર SMCની રેડ,16ની ધરપકડ

માતરના ભલાડામાં ઘણા સમયથી ધમધમતા જુગારધામ પર ગઈકાલે ગાંધીનગર એસએમસી ત્રાટકી હતી. એસએમસીએ રેડ પરથી 16 જેટલા જુગારીઓ અને અધધધ..22 લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. જેમાં જુગારધામ ચલાવનાર માતરના ધારાસભ્યનો ભત્રીજો હોવાનું સામે આવ્યું હતું સાથે માતરનું ભલાડા ગામ એ ધારાસભ્યનું જ ગામ હોઈ આ બાબતને લઈને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં રાજકીય માહોલમાં ગરમાવો આવી જવા સાથે આ બનાવ ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો.

ખેડા જિલ્લાના માતર તાલુકાના ભલાડા ગામનો રાજેશ ઉર્ફે લાલો ગુલાબભાઈ પરમાર ગામમાં હરસિધ્ધી ફળીયા નજીક ખુલ્લા ખેતરમાં બહારથી માણસો બોલાવીને જુગારધામ ચલાવતો હોવાની બાતમી ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલને મળી હતી. બાતમી આધારે પોલીસે જુગારીયાઓમાં નાસભાગ મચી જવા પામી હતી, કેટલાક તો ચંપલ સહિતની સામગ્રી છોડીને ભાગ્યા હતા. ટીમે સ્થળ પરથી રાજેશ ઉર્ફે લાલા સહિત 16 જુગારીઓને દબોચી લીધા હતા. સ્થળ પરથી રોકડ, ત્રણ ફોર વ્હીલર વાહનો, 14 મોબાઈલ સહિત 22.36 લાખનો મુદ્દામાલ ટીમને હાથ લાગ્યો હતો. ટીમે તમામ 16 જુગારીઓ, ત્રણ વાહનચાલકો મળી 20 ઈસમો વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મહત્વની બાબત એ છે કે ગઈકાલે સાંજે પડેલ આ રેડ બાદ જુગારધામ ચલાવનાર રાજેશ ઉર્ફે લાલો જે માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારનો ભત્રીજો હોવાનું સામે આવતાં અનેક ચર્ચાઓએ જોર પકડયું છે. લોકમુખે એમ પણ ચર્ચાઈ રહ્યું છે કે રાજેશ રાજકીય વગનો દુરઉપયોગ કરીને એટલો બેફામ બની ગયો હતો કે ગામમાં મનફાવે તે જગ્યા પર જુગારીઓને કુંડાળે વાળી જુગાર રમાડતો હતો. ખેડા પોલીસ રેડ પાડવા અગાઉ આવી હતી પણ ત્યારે પણ રાજેશે રાજકીય વગનો દુરઉપયોગ કરીને દાદાગીરી કરતાં પોલીસને પાછુ ફરવું પડયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો