android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Narmada: એકતા પરેડ પહેલાં એકતાનગરમાં ડેન્ગ્યુનો કહેર; આસામથી આવેલા 40 પૈકી 21 જવાનો પોઝિટિવ, આરોગ્ય તંત્રમાં દોડધામ

calendar_todayOctober 26, 2026

Narmada: એકતા પરેડ પહેલાં એકતાનગરમાં ડેન્ગ્યુનો કહેર; આસામથી આવેલા 40 પૈકી 21 જવાનો પોઝિટિવ, આરોગ્ય તંત્રમાં દોડધામ

31 ઓક્ટોબરના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે યોજાનારી ભવ્ય ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની પરેડ પૂર્વે નર્મદા જિલ્લાના એકતાનગરમાં ડેન્ગ્યુનો મોટો કહેર સામે આવ્યો છે. પરેડમાં ભાગ લેવા માટે આસામથી એકતાનગર આવેલી 40 જવાનોની વિશેષ ટુકડીમાંથી અડધાથી વધુ એટલે કે 21 જવાનો ડેન્ગ્યુ પોઝિટિવ મળી આવતાં સમગ્ર વહીવટી અને આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. એકસાથે આટલી મોટી સંખ્યામાં જવાનો મચ્છરજન્ય રોગચાળાની ઝપેટમાં આવતાં પરેડ સ્થળ અને આસપાસના કેમ્પમાં તાબડતોબ સઘન ફોગિંગ અને દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી છે.

40 જવાનોની ટુકડીમાંથી 21ને તાવ આવતાં તપાસ કરાઈ

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે એકતાનગર ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની એકતા પરેડમાં ભાગ લેવા માટે દેશભરમાંથી વિવિધ રાજ્યોના પોલીસ દળો અને સૈન્ય ટુકડીઓ આવી પહોંચી છે. આ દરમિયાન આસામથી આવેલી 40 જવાનોની ટુકડીમાંથી એક પછી એક જવાનોને અચાનક ઊંચો તાવ, શરીરનો દુઃખાવો અને અશક્તિ જેવાં લક્ષણો જણાતાં તબીબી તપાસ હાથ ધરવામાં આવી હતી. લેબોરેટરી રિપોર્ટમાં 21 જવાનોના બ્લડ સેમ્પલ ડેન્ગ્યુ પોઝિટિવ આવતાં સુરક્ષા અધિકારીઓ અને જિલ્લા પ્રશાસનમાં ભારે ચકચાર મચી ગઈ છે.

તમામ જવાનોને એકતાનગર ટ્રોમા સેન્ટરમાં ખસેડાયા

ડેન્ગ્યુ પોઝિટિવ આવેલા તમામ 21 જવાનોને તાત્કાલિક અસરથી એકતાનગર ટ્રોમા સેન્ટર ખાતે દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તબીબોની વિશેષ ટીમ દ્વારા તેમની સારવાર શરૂ કરવામાં આવી છે. હાલ તમામ જવાનોની તબિયત સ્થિર હોવાનું અને તેમના પ્લેટલેટ્સ તેમજ વાઇટલ પેરામીટર્સ પર સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું હોવાનું તબીબી સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ બનાવ સામે આવતાં જ નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમો હરકતમાં આવી ગઈ છે. જવાનો જ્યાં રોકાયા હતા તે રહેણાંક પરિસર, ટેન્ટ સિટી તેમજ પરેડ ગ્રાઉન્ડ આસપાસ પાણી ભરાયેલા સ્થાનો પર મચ્છરજન્ય ઉપદ્રવ ડામવા દવાઓનો છંટકાવ અને સઘન ચેકિંગ શરૂ કરી દેવાયું છે, જેથી અન્ય જવાનો કે મહાનુભાવો સુધી ચેપ ન ફેલાય.

આ પણ વાંચો: Ahmedabad: બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર, ગુજરાત માટે ચિંતા ટળી પણ શિયાળાની એન્ટ્રી ઝડપી બનશે