android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Navsari : ના આશાપુરી મંદિરે પ્રથમ નોરતે માઈભક્તોનું ઘોડાપૂર ઊમટયું

calendar_todayOctober 11, 2026

Navsari : ના આશાપુરી મંદિરે પ્રથમ નોરતે માઈભક્તોનું ઘોડાપૂર ઊમટયું


આસો નવરાત્રીના પાવન પર્વનો પ્રારંભ થતાં જ નવસારી શહેરના દુધિયા તળાવની પાળે આવેલા પ્રસિદ્ધ આશાપુરી માતાજીના મંદિરે પ્રથમ નોરતે માઈભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું. રવિવારની વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રાદ્ધાળુઓ માતાજીનાં દર્શન કરવા ઉમટી પડયા હતા. ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ નમાવી પરિવારની સુખાકારી, સમૃદ્ધિ અને મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી. આશરે 385 વર્ષ જૂનું આ મંદિર નવસારીની ઐતિહાસિક અને ધાર્મિક વિરાસતનું પ્રતીક હોવાની સાથે દક્ષિણ ગુજરાતના અનેક પરિવારોની અતૂટ આસ્થાનું કેન્દ્ર પણ બન્યું છે. નવસારીના દુધિયા તળાવની પાળે આવેલું આશાપુરી માતાજીનું મંદિર ગાયકવાડી શાસનકાળ સાથે જોડાયેલી ઐતિહાસિક અને લોકઆસ્થાની પરંપરા ધરાવે છે. સ્થાનિક લોકવાયકા મુજબ, જ્યારે નવસારીમાં વડોદરાના ગાયકવાડનું શાસન હતું, ત્યારે ગાયકવાડી રાજના એક સુબાને માતાજીએ સ્વપ્નમાં દર્શન આપીને દુધિયા તળાવ નજીક જમીનમાં પોતાની મૂર્તિ હોવાની વાત જણાવી હતી. સ્વપ્નના આધારે સુબાએ તે સ્થળે ખોદકામ કરાવતાં માતાજીની મૂર્તિ મળી આવી હતી. ત્યારબાદ તેમણે ત્યાં નાની દેરી બનાવી માતાજીની સ્થાપના કરી હતી. લોકવાયકા પ્રમાણે, સુબાની માનતા પૂર્ણ થતાં તેમને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ હતી. આ ઘટનાને પગલે માતાજી પ્રત્યે તેમની શ્રાદ્ધા વધુ દૃઢ બની હતી. આશાપુરી માતાજીના મંદિરની વિશેષતા એ છે કે અહીં માતાજીની મૂર્તિ સાથે ભગવાન ગણેશજી અને માર્કંડેય ઋષિ પણ બિરાજમાન છે. આ અનોખી મૂર્તિ રચના મંદિરને વિશિષ્ટ ધાર્મિક ઓળખ આપે છે. દક્ષિણ ગુજરાતનાં પૌરાણિક મંદિરોમાં સ્થાન ધરાવતા આ મંદિર સાથે વર્ષોથી અનેક ધાર્મિક પરંપરાઓ જોડાયેલી છે. મંદિરના ઇતિહાસ સાથે સંકળાયેલી પરંપરા મુજબ, ગાયકવાડી શાસનકાળથી અહીં ચૈત્ર અને આસો માસની અષ્ટમીએ માતાજીનો હવન કરવામાં આવે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો