calendar_todayApril 22, 2026
Navsari: બીલીમોરામાં નબીરાઓનો બેફામ આતંક, 10થી વધુ ગાડીઓ સાથે ખતરનાક સ્ટન્ટ્સનો વીડિયો વાયરલ
દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાંથી કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. શહેરના સોમનાથ મંદિર પરિસર ખાતે શ્રીમંત નબીરાઓએ પોતાની લક્ઝરી ગાડીઓ સાથે ખતરનાક સ્ટન્ટ્સ કરી આતંક મચાવ્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ અને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઘટનાની વિગત
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, એકસાથે 10 થી વધુ ગાડીઓ ફૂલ સ્પીડમાં દોડાવવામાં આવી રહી છે. આ નબીરાઓ કાળા કાચ ધરાવતી અને નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈને જાણે કાયદાનો કોઈ ડર ન હોય તેમ 'રોલા' પાડી રહ્યા હતા. પવિત્ર મંદિર પરિસરમાં આ પ્રકારે બેફામ રીતે વાહનો ચલાવીને લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા હતા. યુવાનોના આ ખતરનાક સ્ટન્ટ્સને જોઈને ત્યાં હાજર શ્રદ્ધાળુઓ અને રાહદારીઓમાં ગભરાટ ફેલાયો હતો.
તંત્ર સામે સવાલો
જાહેર રોડ પર અને મંદિર જેવા સંવેદનશીલ વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં ગાડીઓ સ્ટન્ટ્સ કરતી હોવા છતાં પોલીસ ક્યાં હતી? તેવા સવાલો ઉઠી રહ્યા છે. હાલમાં આ વાયરલ વીડિયોના આધારે પોલીસે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો---- Local body election 2026 : DGPનો એક્શન પ્લાન જાહેર, 60 હજારથી વધુ જવાનો તૈનાત અને 1251 બૂથ અતિસંવેદનશીલ