android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Navsari: ચીખલીના અંબાચ ગામે પારિવારિક ઝઘડામાં પિતાના હાથે 25 વર્ષીય યુવાન પુત્રની હત્યા

calendar_todayAugust 16, 2026

Navsari: ચીખલીના અંબાચ ગામે પારિવારિક ઝઘડામાં પિતાના હાથે 25 વર્ષીય યુવાન પુત્રની હત્યા

ચીખલી તાલુકાના છેવાડે આવેલા અંબાચ ગામે પારિવારિક ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પિતાએ પોતાના જ યુવાન પુત્ર સૂરજને ચપ્પુના ઘા મારી હત્યા કરી નાંખતા ચકચાર મચી છે. પુત્રને બચાવવા વચ્ચે પડેલા દાદા અને માતાને પણ ચપ્પુ લાગતાં બન્નેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ચીખલી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પિતાની ધરપકડ કરી હત્યામાં વપરાયેલ ચપ્પુનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી હતી.

બનાવની ચીખલી પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર તાલુકાના અંબાચ ગામે રહેતો નિલેશ ધોડિયા પટેલ ચિકન સેન્ટરની દુકાન ચલાવતો આવ્યો છે. શુક્રવારની રાત્રિના સમયે નિલેશે પત્ની ભારતીબેનને ફોન કરી ચિકનની દુકાને આવવા માટે જણાવતા પત્નીએ પૌત્ર સાથે સૂતેલો હોવાનું જણાવી દુકાને આવવાની ના પાડી હતી. આથી ઉશ્કેરાયેલો નિલેશ ઘરે પહોંચી તું આ લોકોના છોકરાને કેમ રાખે છે, તું એ લોકોને આપી દે તેમ જણાવી પત્ની સાથે બોલાચાલી કરી ગાળા ગાળી કરી ઝઘડો કર્યો હતો.

આ દરમિયાન માતા-પિતા વચ્ચે ચાલી રહેલા ઝઘડામાં પુત્ર સૂરજ ઘરે આવી ઝઘડો કરવાની ના પાડતા આરોપી નિલેશ ઉશ્કેરાઈ જઇ સૂરજને ગળામાંથી પકડી લઈ હાથમાં રહેલા ચપ્પુ વડે સૂરજના છાતીના ભાગે મારતા ગંભીર ઈજા થઈ હતી. આ સાથે જ સૂરજ ઘટનાસ્થળે જ ઢળી પડતા જેનું મોત નીપજ્યું હતું. જ્યારે સૂરજને બચાવવા જતા દાદા ચીમન પટેલને શરીરે તેમજ માતા ભારતીબેનને પેટના ભાગે તથા બન્ને હાથમાં ચપ્પુના ઘા મારી આરોપી સ્થળ ઉપરથી ભાગી છૂટયો હતો.

જોકે રાત્રીના સમયે લોહિયાળ જંગમાં આજુબાજુના લોકોએ ઇજાગ્રસ્ત પત્ની અને ચીમનભાઇને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ભારતીબેન નિલેશભાઇ ધોડિયા પટેલ (ઉં.વ-45, રહે. અંબાચ ઓરવાડ ફળિયા, તા. ચીખલી, જી. નવસારી)ની ફરિયાદ મુજબ હત્યાનો ગુનો નોંધી આરોપી નિલેશ ચીમનભાઇ ધોડિયા પટેલ (ઉ.વ-48, રહે. અંબાચ ગામ, ઓરવાડ ફળિયા, તા. ચીખલી, જી. નવસારી)ને ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો હતો અને હત્યામાં ઉપયોગમાં લેવાયેલ ચપ્પુ કબજે કરી વધુ તપાસ પીઆઇ-પી.બી.પટેલીયાએ હાથ ધરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો