android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Navsari ભાજપમાં મોટી કાર્યવાહી: જલાલપોરના 33 બળવાખોરોના રાજીનામા સ્વીકારાયા, નવું માળખું જાહેર

calendar_todayMarch 27, 2026

Navsari ભાજપમાં મોટી કાર્યવાહી: જલાલપોરના 33 બળવાખોરોના રાજીનામા સ્વીકારાયા, નવું માળખું જાહેર

નવસારી જિલ્લા ભાજપ સંગઠનમાં ચાલી રહેલા આંતરિક અસંતોષ અને બળવાખોર તેવર સામે પ્રદેશ ભાજપે લાલ આંખ કરી છે. ખાસ કરીને જલાલપોર તાલુકામાં ભાજપ પ્રમુખ સહિત કાર્યકરોના સામૂહિક રાજીનામાના દોર બાદ પક્ષે નમતું જોખવાને બદલે કડક શિસ્તબદ્ધ કાર્યવાહીનો માર્ગ અપનાવ્યો છે. જલાલપોર તાલુકા ભાજપમાં પડેલા 58 જેટલા રાજીનામા પૈકી જિલ્લા ભાજપે 33 જેટલા રાજીનામા તાત્કાલિક અસરથી સ્વીકારી લઈને બળવાખોરોને ઘરભેગા કરી દીધા છે.

જલાલપોર તાલુકાના 58 રાજીનામા પડ્યા હતા

રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે કે, શિસ્તભંગ કરનારા તત્વો સામે દાખલો બેસાડવા માટે પ્રદેશ સંગઠનની સીધી સૂચનાથી આ કાર્યવાહી કરવામાં આવી છે. જે કાર્યકરોએ દબાણ ઊભું કરવા માટે રાજીનામાના હથિયારનો ઉપયોગ કર્યો હતો, તેમને જ પક્ષમાંથી વિદાય આપી દેવામાં આવી છે. આ મોટા ફેરબદલને પગલે જિલ્લાના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ભાજપે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પક્ષમાં શિસ્ત સૌથી ઉપર છે અને કોઈપણ પ્રકારની બળવાખોરી સાંખી લેવામાં આવશે નહીં.

પ્રદેશની સૂચનાથી નવું માળખું જાહેર થયું

રાજીનામા સ્વીકાર્યા બાદ વિલંબ કર્યા વિના પ્રદેશ ભાજપની સૂચનાથી જલાલપોર તાલુકાનું નવું સંગઠન માળખું પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. નવા માળખામાં પક્ષને વફાદાર રહેનારા ચહેરાઓને સ્થાન આપીને સંગઠનને ફરી બેઠું કરવાની કવાયત હાથ ધરાઈ છે. આ આક્રમક વલણથી અન્ય અસંતુષ્ટ જૂથોમાં પણ ફફડાટ વ્યાપ્યો છે. આગામી દિવસોમાં નવું માળખું કેવી રીતે કામગીરી કરે છે અને બળવાખોરોનું આગળનું પગલું શું હશે તેના પર સૌની નજર મંડાયેલી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો