android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Navsari: ચીખલી તાલુકામાં 4.47 કરોડના ખર્ચે 15 વિકાસકામોનો પ્રારંભ કરાતા ખુશી

calendar_todayOctober 25, 2026

Navsari: ચીખલી તાલુકામાં 4.47 કરોડના ખર્ચે 15 વિકાસકામોનો પ્રારંભ કરાતા ખુશી

ચીખલી તાલુકામાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓ હેઠળ કુલ રૂ. 4.47 કરોડના ખર્ચે 15 જેટલાં વિકાસકામોનું ખાતમુહૂર્ત રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વિકાસકાર્યોના અમલીકરણથી તાલુકાના આદિજાતિ વિસ્તારોમાં રસ્તા, આંગણવાડી કેન્દ્રોનાં નવાં મકાનો, ડ્રેનેજ સહિતની પાયાની સુવિધાઓ વધુ સુદૃઢ બનશે. આ વિકાસકામો ચીખલી તાલુકાના બલવાડા, ચીમલા, મજીગામ, મલવાડા, વંકાલ, ઘેકટી અને સમરોલી સહિતનાં ગામોમાં રસ્તાઓના રીસરફેસિંગ, આંગણવાડી કેન્દ્રોનાં નવાં મકાનોના બાંધકામ તેમજ ડ્રેનેજ અને પ્રોટેક્શન વોલનાં કામોનો સમાવેશ થાય છે. બલવાડા-ચીમલા માર્ગ પર જોગમાતા મંદિર પાસે શેડ, મજીગામમાં બાવરીથી પાદરદેવી મંદિર તરફ્નો માર્ગ, સહકારી મંડળીથી મહોલ્લા તરફ્નો માર્ગ, મલવાડા અને ઘેકટીના વિવિધ માર્ગો તેમજ સમરોલી નવા ફ્ળિયા-કેસલી રોડના રીસરફેસિંગનાં કામો હાથ ધરાશે. આ ઉપરાંત બલવાડા નવાનગર, ચીમલા, મજીગામ ડેરા, મલવાડા મંદિર, મલવાડા ગામતળ અને સમરોલી નિશાળ ખાતે આંગણવાડી કેન્દ્રોનાં નવાં મકાનોનું બાંધકામ કરવામાં આવશે. મજીગામ ખાતે હળપતિવાસ નજીક ડ્રેનેજ અને પ્રોટેક્શન વોલનું કામ પણ હાથ ધરવામાં આવશે. આ વિકાસકાર્યો પૂર્ણ થતાં ગ્રામ્ય વિસ્તારોમાં અવરજવર વધુ સુગમ બનશે, બાળકોને આંગણવાડીની સુવિધાઓ માટે યોગ્ય માળખું મળશે અને સ્થાનિક નાગરિકોને વધુ સારી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ થશે. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના માધ્યમથી આદિજાતિ વિસ્તારોમાં વિકાસની ગતિને વધુ વેગ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નિરાલી નાયક, બાંધકામ સમિતિના અધ્યક્ષ કૌશિક પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન પટેલ, નાયબ કાર્યપાલક ઈજનેર કે. પી. પટેલ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, સરપંચો, ગ્રામજનો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યાં હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો