calendar_todayApril 1, 2026
Navsari : દશેરા ટેકરીમાં ભીષણ આગ, 5 થી વધુ મકાનો બળીને ખાખ થતા અફરાતફરી
નવસારી શહેરના દશેરા ટેકરી વિસ્તારમાં આજે બપોરના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો હતો. બાલાપીર દરગાહ પાસે આવેલા રહેણાંક મકાનોમાં આગ લાગતા જોતજોતામાં તે પ્રસરવા લાગી હતી. આ દુર્ઘટનામાં એક-બે નહીં પરંતુ 5 થી વધુ મકાનો આગની ચપેટમાં આવી ગયા છે, જેના કારણે મોટું નુકસાન થયું હોવાની આશંકા છે.
ઘરવખરી બળીને ખાખ
આગ એટલી ભયાનક હતી કે મકાનોમાં રહેલી તમામ ઘરવખરી, અનાજ અને કિંમતી સામાન બળીને રાખ થઈ ગયો છે. સ્થાનિક રહીશોએ પોતાનો જીવ બચાવવા દોડધામ કરી મૂકી હતી. રહેણાંક વિસ્તાર હોવાથી આગ વધુ પ્રસરે તે પહેલા લોકોએ પોતાની રીતે પાણીનો મારો ચલાવ્યો હતો, પરંતુ પવન અને ગીચતાના કારણે આગ કાબુ બહાર ગઈ હતી. સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી,
ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે
ઘટનાની જાણ થતા જ નવસારી નગરપાલિકાના 5 થી વધુ ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
આ પણ વાંચો---- Rajkot : દુબઈમાં રોકાણના નામે કરોડોનું ફૂલેકું ફેરવનાર બે ઝડપાયા, ઊંચા વળતરની લાલચ આપી આચરી છેતરપિંડી